ગુજરાત
News of Tuesday, 27th April 2021

ગુજરાતમાં કોરોના તાંડવ

છેલ્લા ૮ દિવસમાં ૧૦૦૦૦૦ કેસ અને ૧૧૦૦ મોત

રાજયમાં છેલ્લા ૮ દિવસમાં કોરોનાના ૧.૦૫ લાખ કેસ અને ૧૧૦૯ મોતઃ દર ૧૦૦ દર્દીઓ પૈકી એક પેશન્ટે પોતાનો જીવ ગુમાવ્યો : ગુજરાત ૫૦૦૦૦૦ કેસને પાર કરનાર ભારતનું ૧૧માં રાજય : છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૪૩૪૦ કેસ, ૧૫૮ દર્દીના મોત : શહેરો ઉપરાંત અન્ય જિલ્લાઓમાં કેસ અને મૃત્યુઆંક વધ્યો

અમદાવાદ, તા.૨૭: સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. રાજય સરકારે જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો છેલ્લા ૮ દિવસમાં રાજયમાં કોરોનાના ૧.૦૫ લાખ કેસ નોંધાયા છે, જયારે તેની સામે ૧૧૦૯ દર્દીઓના મોત નીપજયા છે. કેસોના આધારે મૃત્યુદર એક ટકો છે, જે મુજબ દર ૧૦૦ દર્દીઓ પૈકી એક દર્દીએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સોમવારે ૧૪૩૪૦ કેસ નોંધાતા ગુજરાત ૫૦૦૦૦૦ કેસને પાર કરનાર ભારતનું ૧૧માં રાજય બન્યું છે. સોમવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૮ દર્દીઓના મોત થયા છે, તેની સાથે રાજયમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૬૪૮૬ પર પહોંચી ગયો છે. આ પહેલીવાર છે જયારે રાજયમાં ખૂબ જ ઝડપથી કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ઉછાળો જોવા મળ્યો છે.

સિટી બેઝડ એપિડેમિયોલોજિસ્ટે જણાવ્યું કે, આ ૨૦૨૦ અને ૨૦૨૧નું કમ્પેરિઝન છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ લહેર હળવા લક્ષણો સાથે ઝડપથી ફેલાઈ રહી છે. પરંતુ જેમ જેમ દૈનિક કેસોની સંખ્યા વધવા લાગી તેમ તેમ સ્પષ્ટ થયું કે ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે, અને હાલ ઓકિસજન પરની નિર્ભરતા એક મેજર ફેકટર છે.

આ સમયગાળા દરમિયાન અડધાથી વધુ કેસ અને મોત અમદાવાદ અને સુરતમાં નોંધાયા છે. પરંતુ નિષ્ણાતોએ ધ્યાન દોર્યું છે કે, અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સંક્રમણ અનેકગણો વધી ગયું છે.

૯૫૦ બેડની GMDC હોસ્પિટલમાં બીજે દિવસે માત્ર ૧૧૦ પેશન્ટને એડમિટ કરાયા

ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધાયેલા ૬૭ ટકાથી વધુ કેસોની તુલનાનામાં સોમવારે કેસોનો આંકડો માત્ર ૫૭ ટકા હતો, જે અન્ય જિલ્લામાં વધારે સંક્રમણ તરફ ઈશારો કરે છે. આ જ રીતે સોમવારે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર ૫૨ ટકા મોત નોંધાયા હતા. જો કે, ગત અઠવાડિયે આ આંકડો ૭૦ ટકાની નજીક હતો તેવું નિષ્ણાતોએ જણાવ્યું છે.

(4:37 pm IST)