ગુજરાત
News of Tuesday, 27th April 2021

અમુક બેંકો કર્મચારીને ર વાગ્યા પછી પણ ધરાર રોકી રાખે છેઃ યુનિયન

દરેક બેંકો સ્ટેટ લેવલ કમીટીના નિર્ણયને અનુસરે

રાજકોટ, તા., ૨૭: ગુજરાત બેંક વર્કર્સ યુનિયન અને મહા ગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસીએશન દ્વારા સ્ટેટ લેવલ બેકર્સ કમીટીના કન્વીનર અને જનરલ મેનેજરને એક પત્ર લખી રાજયની અમુક બેંકો દ્વારા રર મી એપ્રિલના રોજ નક્કી કરવામાં આવેલ બેંકોના કામકાજની સમય મર્યાદા કે જે ૧૦ થી ર નક્કી કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહયું છે અને સ્ટાફને કામકાજ પુરૂ થઇ ગયા છતા ઘરે જવાની પરવાનગી આપવામાં આવતી નથી તેવી ફરીયાદ કરી છે.

બન્ને યુનિયનોએ સંયુકરત રીતે લખેલા પત્રમાં જણાવ્યું છેકે રાજયની અનેક બેંકોએ નકકી થયા મુજબ કોરોનાનો પ્રસાર અટકાવવા માટે બેંકના કામકાજનો સમય ૧૦ થી ર નક્કી કરેલ છે છતાં અમુક બેંકો બેંક કર્મચારીઓને કામકાજ પુરૂ થયા બાદ પણ બેંક છોડવાની અને ઘરે જવાની સંમતી આપતી નથી એટલું જ નહી બેંકનું કામકાજ પુરૂ થયા બાદ પણ કર્મચારીઓને પેન્ડીંગ કામકાજ પુરૂ કરવાના બહાને ધરાર રોકી રાખવામાં આવે છે. બેકીંગ કામકાજનો સમય પુરો થયા બાદ જો કર્મચારીને કોઇ ગ્રાહક બેંકમાં જુએ તો તે કામકાજ માટે બેંકમાં પ્રવેશે છે જેના કારણે સંક્રમણનો પ્રસાર પણ થઇ શકે છે.

બન્ને યુનીયનોએ વધુમાં જણાવ્યું છે કે રોજેરોજ અનેક બેંક કર્મચારીઓ કાં તો કોરોનામાં સપડાય છે કાં તો હોસ્પીટલમાં દાખલ થાય છે અથવા મૃત્યુ પામે છે એવા અમોને સમાચાર મળતા રહે છે. જે દુઃખદ કહી શકાય તેમ છે. આ સંજોગોમાં અમે આપને વિનંતી કરીએ છીએ કે નક્કી થયેલી બાબતનો અમલ કરવા આપ સુચનાનો ભંગ કરતી બેંકોને યોગ્ય સલાહ સુચન આપશો. તેઓએ જણાવ્યું છે કે બેકીંગ કામકાજ ઘટાડવાનો હેતુ કર્મચારીઓની સુરક્ષા માટે લેવાયેલો છે તેથી કર્મચારીઓને રૂટીન કામકાજ પુરૂ થયા બાદ ઘરે જવા પરવાનગી મળવી જોઇએ એટલું જ નહી ઘટાડવામાં આવેલ સ્ટાફની સંખ્યા અને બીજી બાબતો અંગે લેવાયેલો નિર્ણયનો અમલ થવો જોઇએ.

(4:35 pm IST)