ગુજરાત
News of Tuesday, 27th April 2021

સુરતની જાણીતી લા કાસા વિલા એન્ડ રિસોર્ટમાં કોરોના મહામારી વચ્ચે ભવ્ય લગ્નનું આયોજન થયું, 200 કરતાં વધારે લોકો એકત્રિત થઈને ઝૂમ્યાં :કોઇએ માસ્ક પહેરેલું લાગતું નથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા : કોર્પોરેશન તંત્ર સામે આક્રોશ

સુરતઃ ગુજરાતમાં અમદાદા બાદ સુરત કોરોનાનું હોટ સ્પોટ છે. ત્યારે અહીંની એક કલબના રિસોર્ટમાં શહેરના એક ધનાઢ્ય પરિવારે કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી લગ્ન યોજતા લોકોમાં ખાસ કરીને કોર્પોરેશન સામે રોષ ફાટી નીકળ્યો છે. સુરતના લા કાસા ક્લબ એન્ડ રિસોર્ટમાં માલેતુજાર પરિવારના લગ્નની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 200 કરતાં વધારે લોકો એકત્રિત થઈને લગ્નમાં જોડાયા હોવાની તસવીરો ફરતી થઈ છે.

લા કાસા વિલા એન્ડ રિસોર્ટમાં આયોજન

રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન લગ્નને અન્ય સામાજિક સમારોહમાં 50થી વધુ લોકોને એકત્રિત કરવા પર સરકારી પ્રતિબંધ છે.છતાં સુરતની જાણીતી લા કાસા વિલા એન્ડ રિસોર્ટમાં ભવ્ય લગ્નનું આયોજન થયું, જેમાં 200 કરતાં વધારે લોકો એકત્રિત થઈને ઝૂમી રહ્યા હતા. કોઇએ માસ્ક પહેરેલું લાગતું નથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગની વાત જ જવા દો.

સરકારે આજે જ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી કરનારી એક વ્યક્તિ 30 દિવસમાં 406 લોકોને કોરોના ચેપ લગાડે છે. ત્યાં આ પ્રકારનાં આયોજનો અંગે કોર્પોરેશન કેમ મૂક પ્રેક્ષક બની છે. શું તેની પાસે આ લગ્નની માહિતી નહીં હોય? જ્યારે લગ્ન માટે પરમિશન લેવા આવતા હોય છે ત્યારે તેમને કોરોનાની ગાઈડલાઈન્સ અંગે કેમ માહિતી અપાતી નથી . આવા લોકોને કોરોના ગાઇડલાઇન્ ના ઉલ્લંઘન કરવાનો ડર નથી અથવા તો કોર્પોરેશનને પગલાં લેવામાં રસ નથી.

લોકોમાં સુરત મ્યુ. કોર્પોરેશન પ્રત્યે ભારે રોષ

આવાં દૃશ્યો જોયાં પછી લોકોમાં સુરત મ્યુનિસિપલ પ્રત્યે ભારે રોષ દેખાઇ રહ્યો છે. ચર્ચા થઇ રહી  છે કે કોર્પોરેશનને માત્ર ગરીબ દુકાનદારોથી લઈને નાનીમોટી ચીજવસ્તુઓ વેચીને ગુજરાત ચલાવનારા લોકો પર જ દંડો ઉગામવાનું ગમે છે. જાણે તમામ નીતિનિયમ આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જ લાગુ પડતા હોય તેવું લાગે છે.

સામાન્ય માણસના નાક નીચે માસ્ક સરકે તો 1000નો દંડ

એક સામાન્ય લારીવાળો જો નાક નીચે પણ માસ્ક રાખે તો એની પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે આ લગ્ન સમારોહમાં જોડાયેલા તમામ લોકો પાસે એક હજાર રૂપિયાનો દંડ લેવાશે કે કેમ એ સૌથી મહત્ત્વો પ્રશ્ન છે અને જે લગ્નના આયોજક છે તેમની સામે કયા પ્રકારનાં શિક્ષાત્મક પગલાં લેવાં છે એના પર સૌ કોઈની નજર છે.

કોર્પોરેશનની બેવડી નીતિનો આરોપ

શહેરમાં કોર્પોરેશનની આવી બેવડી નીતિનો આરોપ થઇ રહ્યો છે. કારણ કે વેપારીઓ પાસેથી દંડ ઉઘરાવી લેવાની માનસિકતા કોર્પોરેશનના અધિકારીઓ ધરાવે છે પરિણામે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશનના અધિકારીઓ અને નાના વેપારીઓ વચ્ચે સતત ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે.

કોર્પોરેશન દ્વારા આવા માલેતુજાર પરિવાર સામે દંડાત્મક આને શિક્ષાત્મક કાર્યવાહી કરીને ઉદાહરણરૂપ દાખલો બેસાડવા જોઈએ, જેથી કરીને કોરોના ગાઈડલાઇન્સનું પાલન તમામ લોકો યોગ્ય રીતે કરે.

(3:59 pm IST)