ગુજરાત
News of Tuesday, 27th April 2021

૫-૭ મંત્રીને બાદ કરતા પ્રજાએ જીતાડીને મોકલેલા નેતાઓ મહામારીમાં સેવા કરવાના બદલે થયા ગાયબ

કોરોનાની લડાઈમાં ગુજરાતનું મંત્રીમંડળ અંડરગ્રાઉન્ડ થઇ ગયું હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યું છે : મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સિવાયના મંત્રીઓ અંડરગ્રાઉન્ડ થયા છે

અમદાવાદ, તા.૨૭: એક તરફ ગુજરાતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે તો બીજી તરફ કોરોનામાં અમૂક જ મંત્રીઓ જ પ્રજાની વચ્ચે છે. હાલ પ્રજા સારવાર માટે પીડાઇ રહી છે. બેડ, ઓકિસજન, ઇન્જેકશન માટે દર્દીઓ તડપી રહ્યા છે, ત્યારે ૫-૭ મંત્રીને બાદ કરતા મોટા ભાગના મંત્રીઓ અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. કેબિનેટમાં દેખાતા મંત્રીઓ મહામારીમાં પ્રજા વચ્ચે દેખાતા નથી. ઓકિસજન, દવા, બેડની વ્યવસ્થા જેમના માથે છે તે ગાયબ થઇ ગયા છે. તેમ વીટીવીનો એક અહેવાલ જણાવે છે.

હાલ ફોટા પડાવવા જેટલો સમય પણ મંત્રીઓ સામે આવતા નથી. મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં પણ ફોનથી કામ ચલાવે છે. મંત્રીઓ જાહેરમાં આવવાને બદલે કાર્યકરોથી કામ ચલાવે છે. ગુજરાતની પ્રજાને આજની મહામારીમાં મંત્રીમંડળની જરૂર છે. પ્રજાએ જીતાડીને મોકલેલા નેતાઓ મહામારીમાં ગાયબ થઇ ગયા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો પણ કોરોનામાં ગાયબ થઇ ગયા છે. પ્રજાની પડખે રહેવાને બદલે લોકપ્રતિનિધિઓ દૂર ભાગી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ હજુ પણ કોવિડ સેન્ટર નથી શરૂ કર્યું.

ત્યારે કેટલાક સવાલ થાય છે કે શું પ્રજાના ડરથી મંત્રીઓ જાહેરમાં દેખાતા નથી ? શું પ્રજાને જવાબ નથી આપી શકતા એટલે મંત્રીઓ દેખાતા નથી? ધારાસભ્યો-મંત્રીઓ કોરોનાથી ડરે છે ત્યારે લોકો શું આશા રાખે ? ભાજપ નહીં કોંગ્રેસના ધારાસભ્યો પણ છે ઉદાસીન ?

(11:29 am IST)