ગુજરાત
News of Friday, 27th April 2018

90 હજારના ચેક બાઉન્સના કેસમાં આણંદના આરોપીને કોર્ટે 15 મહિનાની કેદની સજા ફટકારી

આણંદ: શહેરમાં ૯૦ હજારના એક ચેક બાઉન્સ કેસમાં આણંદની અદાલતે એક શખ્સને તકશીરવાર ઠેરવીને ૧૫ માસની સાદી કેદની સજાનો હુકમ તેમજ ફરિયાદીને વળતરરૂપે એક લાખ ચુકવવાનો પણ આદેશ કર્યો હતો.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ચંદાબેન સુરેશભાઈ રામાણી આણંદમાં જય ઝુલેલાલ ફાયનાન્સથી ધંધો કરે છે અને તેઓએ ફરિયાદ કરવા માટેનો પાવર પોતાના પતિ સુરેશભાઈ ટેકચંદ રામાણીને આપ્યો છે. રંગાઈપુરા ખાતે રહેતા દક્ષાબેન શૈલેષભાઈ ક્રિશ્ચિયન અવાર-નવાર તેમને ત્યાંથી ફાયનાન્સથી નાણાં લેતા હતા. અગાઉ તેમણે ભારત ફાયનાન્સમાંથી નાણાં લીઘા હતા જે કેસમાં સમાધાન કરવા માટે દક્ષાબેને ૯૦ હજાર લીઘા હતા. જે નાણાં સમયસર ના ચુકવતા ઉઘરાણી કરવામાં આવી હતી. જેથી ૯૦ હજારનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક ખાતામાં ભરતા અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો. જે અંગે કાનુની પ્રક્રિયા હાથ ઘર્યા બાદ આણંદની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો.  આ કેસ આણંદના ચોથા એડી. સીની. સીવિલ જજ અને એડી. ચીફ જ્યુ.મીજી. આર. એ. અગ્રવાલની સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષના વકિલ રાજેશભાઈ ચંદાણીની દલિલો તથા રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને દક્ષાબેન ક્રિશ્ચીયનને તકશીરવાર ઠેરવીને ૧૫ માસની કેદની સજા અને ૧.૫૦ લાખનો દંડ, જો દંડ ના ભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજા ફટકારી હતી. જો દંડની રકમ ભરે તો ફરિયાદીને વળતર પેટે એક લાખ ચુકવવા તેમજ ચુકાદા વખતે આરોપી દક્ષાબેન કોર્ટમાં હાજર ના હોય સજા વોરંટની નોટિસ બજાવવાનો પણ હુકમ કર્યો હતો.

(6:22 pm IST)