ગુજરાત
News of Friday, 27th April 2018

અમદાવાદમાં ફી નિયમન મુદ્દે પરિણામ રોકવામાં આવતા વાલીઓના ધરણા

અમદાવાદઃ ફી નિયમન બાદ પણ ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વસુલવામાં આવે છે, જેની સામે વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અમદાવાદની સ્‍કૂલના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ ધરણા ઉપર બેસી ગયા છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલમાં આ મામલે વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો. વાલીઓનું કહેવું છે કે ફીના મામલે સંચાલકો દાદાગીરી કરી રહ્યાં છે. પૂરા થયેલા વર્ષની ફી બાકી હોવાને પગલે શાળા દ્વારા બાળકોના પરિણામ રોકી રાખવામાં આવ્યા છે. પૂરા થયેલા વર્ષની ફી પેટે બાકી રૂ. 24000 બાકી હોવાથી પરિણામ અટકાવી રાખ્યા હોવાનું શાળા સંચાલકો જણાવી રહ્યાં છે. સંચાલકો દ્વારા ફી વિના પરિણામ આપવાની ના પાડી દેવાતા આ મામલે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્કૂલ પ્રશાસન સામે 20થી વધું વાલીઓ ધરણા પર બેઠાં છે.

ધરણાં પર બેઠેલા વાલીઓનું કહેવું છે કે સંચાલકો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. પરિણામ અટકાવવું એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ કરી રહ્યાં છે. સરકાર દ્વારા આ મામલે દરમિયાનગીરી તાત્કાલિક નિવેડો લાવવામાં આવે તેવી માંગણી વાલીઓ કરી રહ્યાં છે.

(5:56 pm IST)