ગુજરાત
News of Friday, 27th April 2018

ઈશરત જ્હાં એન્કાઉન્ટર કેસઃ અેન કે અમીન અને ડીજી વણઝારાની ડિસ્‍ચાર્જ અરજીનો સીબીઆઇ દ્વારા વિરોધ

અમદાવાદઃ ઇશરત જહાં અેન્‍કાઉન્‍ટર કેસમાં અેન કે અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી અંગે સીબીઆઇઅે વિરોધ કરીને કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે.

ઈશરત જ્હાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપી પીપી પાંડેની ડિસ્ચાર્જ અરજીને મંજૂરી મળી ગયા પછી તે પહેલાં અધિકારી બન્યા હતા જેનો છૂટકારો થયો હતો. જ્યારે આ કેસમાં એન્કાઉન્ટરમાં સામેલ એન કે અમીન અને ડી જી વણઝારા પણ સામેલ હતા. જેમાં ડીજી વણઝારાની સૂચનાથી એન કે અમીને એન્કાઉન્ટર કર્યું હતું. હાલમાં આ અધિકારીઓ દ્વારા CBI કોર્ટમાં ડિસ્ચાર્જ માટે અરજી ફાઈલ કરવામાં આવી છે. જેનો CBI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

CBI દ્વારા આ મામલે કોર્ટમાં જવાબ રજૂ કરાયો છે. જેમાં સ્પષ્ટ પણે આ આ અધિકારીઓની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જુન-2004માં ઇશરત જહાં સહિત ચાર વ્યકિતઓ કોતરપુર વોટર વર્કસ પાસે નકલી એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. ગુજરાત પોલીસે આ ચારેય મૃતકો લશ્કર-એ-તૌઈબાના આંતકવાદીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મારવા આવ્યા હોવાનો દાવો કર્યો હતો. આ કેસમાં પીપી પાંડેની ડિસ્ચાર્જ અરજીને મંજૂર કરાતા, મૃતક જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈના પિતા ગોપીનાથ પીલ્લઈના વકીલે પીપી પાંડેની ડિસ્ચાર્જ અરજીને મંજૂર કરવા બદલ તેના ચુકાદાનો અભ્યાસ કરીને ઉપલી કોર્ટમાં અરજી કરાશે. તેવી જાહેરાત કરી હતી.

ઇશરત કેસમાં ગુજરાતના નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડે દ્વારા દાખલ કરાયેલી આ ડિસ્ચાર્જ અરજીમાં અગાઉ ઇશરતની માતા શમીમાકૌસરે પણ અરજી કરી તેને આ કેસમાં પક્ષકાર તરીકે જાડવા માંગણી કરી હતી, જેને કોર્ટે અગાઉ ગ્રાહ્ય રાખી હતી. શમીમા કૌસર દ્વારા પાંડેની ડિસ્ચાર્જ અરજીનો સખત વિરોધ પણ અગાઉ કરાયો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારી પી.પી.પાંડેએ પોતાને એ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા દાદ માંગતી કરેલી ડિસ્ચાર્જ અરજીમાં એ મતલબની રજૂઆત કરી હતી કે, અરજદારની આ કેસમાં કોઇપણ પ્રકારે સંડોવણી કે જવાબદારી બનતી નથી કે તેમની વિરૂધ્ધમાં કોઇ પ્રથમદર્શનીય ગુનો પણ પ્રસ્થાપતિ થતો નથી. ખાસ કરીને કેસના ૧૦૫ સાક્ષીઓ કે જેઓને કોર્ટ રૂબરૂ તપાસવામાં આવ્યા છે, તેમાંથી કોઇએ પણ અરજદારનું નામ આરોપી તરીકે આપ્યુ નથી કે જણાવ્યું નથી. આમ, તેમની આ કેસમાં સીધી કે આડકતરી સંડોવણી જ નથી. આ સંજાગોમાં તેમને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા જાઇએ. તેમની કામગીરીને ધ્યાનમાં લઇને જ ગુજરાત સરકારે તેમને નિવૃત્તિ બાદ પણ રાજય પોલીસમાં ઇન્ચાર્જ ડીજીપી પદે પુનઃસ્થાપિત કર્યા હતા, તેથી કોર્ટે તે બાબત પણ ધ્યાને લેવી જાઇએ.

પાંડેએ એ મુદ્દે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસમાં સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલા પૂરવણી ચાર્જશીટમાં નિવૃત્ત સ્પેશ્યલ આઇબી ડાયરેકટર રાજેન્દ્રકુમારનું નામ આરોપી તરીકે દર્શાવ્યું હોવાછતાં હજુ સુધી તેને કોર્ટના રેકર્ડ પર લવાયા નથી. અરજદારને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવાયા છે અને તેમની વિરૂધ્ધ કોઇ ગુનો બનતો નહી હોવાથી કોર્ટે તેમને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા જાઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ કોર્ટે ઉપરમુજબ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

જ્યારે એન કે અમીન અને ડી જી વણઝારાની આ કેસમાં સીધી સંડોવણી હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં CBI દ્વારા તેમની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. આથી તેમને આ કેસમાંથી હાલ તુરત કોઈ રાહત મળે તેમ નથી.

ઉલ્લેખનિય છે કે ડીજી વણઝારા આસારામના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં આસારામે બળાત્કાર કર્યો છે તેવું ક્યાંય દર્શાવવામાં આવ્યું નથી. જો કે આ કેસમાં આસારામ દોષિત હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. અને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. આથી ડી જી વણધારા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. લોકોએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

(5:30 pm IST)