ગુજરાત
News of Saturday, 27th March 2021

પાલનપુરમાં ચાલવાના મુદ્દે થયેલ બબાલ વકરતા અનુસુચિત જાતિના લોકોનો ગ્રામજનો દ્વારા બહિષ્‍કારઃ નાળાસર ગામે 58 લોકો સાથે કોઇ બોલતુ નથી કે દુકાનેથી વસ્‍તુ પણ મળતી નથી

પાલનપુર: પાલનપુર તાલુકાના નળાસર ગામે 58 અનુસૂચિત જાતિના વ્યક્તિઓનો બહિષ્કાર કરવાનો મુદ્દો વધારે વિવાદિત બન્યો છે. આ ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, ચાલવાનાં મુદ્દે થયેલી બબાલ વધતા વધતા એટલી વકરી ગઇ કે ગામના લોકોએ અનુસુચિત જાતીના લોકોનો બહિષ્કાર કરી દીધો હતો. જેના કારણે આ લોકો ગામમાં રહેવા છતા પણ ગામમાં નહી હોવા જેવી સ્થિતી હતી. તેના કારણે તેમને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ગામલોકો દ્વારા બહિષ્કાર એટલે સંપુર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ પરિવારોને ન તો ગામની કોઇ પણ દુકાન માલ સામાન આપે છે. ન તો કોઇ દુકાન કે કોઇ વ્યક્તિ તેમની સાથે વ્યવહાર કરે છે. આ લોકો જાણે કોઇ એલિયન્સ હોય તે પ્રકારે તેમની સાથે વ્યવહાર કરવામાં આવે છે. તેમને દુકાનેથી કોઇ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવતો નથી. તેમના બાળકો પણ જો કોઇ દુકાને જાય તો તેમને ભગાડવામાં આવે છે. જેના કારણે તેઓની સ્થિતી ખુબ જ વિપરિત થઇ છે.

હાલ તો અનુસૂચિત જાતિના લોકો બહિષ્કાર મામલો જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યો છે. ગામના આગેવાન જયેશ ભાટિયાએ બહિષ્કાર કરવામાં સહભાગી 13 લોકો સામે ફરિયાદ દાખલ કરવા કરી રજુઆત. ગામમાં કરીયાણાની દુકાન, ગલ્લા, રીક્ષા, નાઈની દુકાનમાં  અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બહિષ્કાર કરાયેલા લોકો રજુઆત કરવા કલેકટર કચેરી પહોંચ્યા હતા. ગલીમાં અવર-જવર કરવા બાબતે થઈ હતી બબાલ જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બબાલ થતાં અન્ય લોકોએ અંદાજે 250 લોકોનો વિવિધ જગ્યાએથી બહિષ્કાર કર્યો.

(7:07 pm IST)