ગુજરાત
News of Saturday, 27th March 2021

મેયરને માસ્કનો દંડ ઉઘરાવવો કે ન ઉઘરાવવો તે અંગે નિર્ણય લેવાની સત્તા નથી: નીતિનભાઈ પટેલ

સુરત મેયરની માસ્ક બાબતે ઉલટવાણી વચ્ચે પોલીસના નિવેદનો બાદ નીતિનભાઈ પટેલે પણ ચોખવટ કરી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે માસ્ક નહીં પહેરે તો દંડ ઉઘરાવાશે કે નહીં, તે અંગે વાત કરી હતી, તેમણે આ અંગે સ્પષ્ટ કહી દીધું હતું કે, મેયરને માસ્કનો દંડ ઉઘરાવવો કે ન ઉઘરાવવો તે અંગે નિર્ણય લેવાની સત્તા નથી. એટલે આ વાતથી એક વાત સ્પષ્ટ છે કે, માસ્ક નહીં પહેરો તો 1000 રૂપિયા દંડ લેવામાં આવશે જ.

માસ્કના દંડને લઈને સુરતના લોકોના પણ મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ સુરતના મેયર કહે છે કે, માસ્ક નહીં પહેરનારને માસ્ક આપવામાં આવશે અને બીજી તરફ સુરતના પોલીસ કમિશનર કહે છે કે, માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અત્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

ત્યારે સુરતના તમામ જનપ્રતિનિધિઓ અને વહીવટીવિરો ખડે પગે આખું તંત્ર સુરત શહેરને કોરોના મુક્ત કરવા આગળ વધી રહ્યું છે. હું સુરત શહેરની તમામ જનતાને અપીલ કરું છું આપ સૌ ઘરે ઘરેથી નીકળ્યો ત્યારે માસ્ક પહેરીને અવશ્ય નીકળો અને કદાચ કે, નહીં પહેર્યું હોય તો રસ્તામાં તમને માસ્ક આપીને માસ્ક પહેરાવવામાં આવશે. એક માનવતાનો અભિગમ દાખવીને આપણે બધાએ સાથ સહકાર સાથે બને તેટલું ઝડપી આપણે આ કોરોના સંક્રમણ દૂર કરવા માટે અને કોરોના 2022 ન આવે અને તેવા પ્રયાસ કરીએ. એટલે ખાસ કરીને આપણે માસ્ક પહેરવાના અને વેક્સિન લેવાના પણ પ્રયાસ કરીએ.

જ્યારે માસ્કના દંડ વિશે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, મને સુરતીજનો પર વિશ્વાસ છે કે, તેઓ દરેક તકલીફમાં અને દરેક ક્ષણ મહાનગરપાલિકાની સાથે ઉભા રહ્યા છે. એટલે આમાં પણ હવે સુરતના લોકો માસ્ક પહેરીને જ બહાર નીકળશે. હું સુરત શહેરની પ્રજા વતી બાહેધરી આપું છું કે, કોઈ પણ જગ્યાએ સુરતનો વ્યક્તિ માસ્ક વગર નહીં દેખાય સુરતના તમામ લોકો હવે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળશે.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, હું સુરત શહેરની તમામ જનતાને અપીલ કરું છું કે, તમે કોઇ પણ પક્ષમાં પડ્યા વગર તમારા પરિવારનું સ્વાસ્થ્યની કાળજી રાખો અને તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે માસ્ક અને વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે એટલે આનો ઉપયોગ કરો અને કોરોના સંક્રમણથી બચો. આપણે ઘણા સમયથી જોઈએ છે કે, દેશમાં અને સુરતમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ એને દૂર કરવા માટે આપણે બધાએ સાથ સહકાર આપવાની જરૂર છે અને માસ્ક સૌથી મોટું હથિયાર છે જે આપણને કોરોનાથી દૂર કરી શકે છે. એટલે હું સૌને નમ્ર અપીલ કરીશ કે, આપ તો માસ્ક પહેરો અને બીજાને પણ પહેરાવો.

આ ઉપરાત સુરતના પોલીસ કંટ્રોલરૂમમાંથી કહેવામા આવ્યું હતું કે, માસ્ક ન પહેરનારને દંડ કરવો તે હાઇકોર્ટનો ઓર્ડર છે એટલે દંડ તો લેવામાં જ આવશે. આ ઉપરાંત ગરીબ વ્યક્તિ કોઈ માસ્ક વગર જોવા મળશે તો તેને માસ્ક આપવામાં આવશે.

(12:33 am IST)