ગુજરાત
News of Friday, 27th March 2020

ગુજરાતભરમાં કોરોનાના વધુ ત્રણ કેસો પોઝિટિવ : સંખ્યા વધીને ૪૮

રાજકોટમાં ૧૧ સેમ્પલ પૈકી મોડી સાંજે ત્રણ પોઝિટિવ કેસ નિકળ્યા : ગુજરાતભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સાવચેતીના તમામ પગલાઓ અને ઉંડી ચકાસણીનો દોર જારી : ૩ કરોડથી વધારે લોકોનું નિરીક્ષણ કરાઇ ચુક્યું

અમદાવાદ, તા.૨૭ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આજે મોડી સાંજે રાજકોટમાં ૧૧ સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ત્રણ પોઝિટિવ આવ્યા હતા. આની સાથે જ રાજકોટમાં કુલ કેસોની સંખ્યા વધીને ૮ થઇ હતી જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૪૮ ઉપર પહોંચી હતી. આની સાથે જ ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા ધીમી ગતિએ પણ વધી રહી છે. બીજી બાજુ રાજ્યમાં ત્રણ કરોડ લોકોનું સર્વેક્ષણ થઇ ચુક્યું છે. રાજય સરકાર, આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે અને પ્રજાનો લોકડાઉનમાં જે સહકાર મળી રહ્યો છે તે જોતાં કોરોના વાયરસને હરાવવામાં સફળતા મળશે તેવું આશાનું કિરણ જાગ્યું છે.

          જો કે, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, હજુ સંકટ ટળ્યું નથી આપણે આ રીતે જ ભારે જાગૃતતા દાખવી સોશ્યલ ડિસ્ટન્સીંગ અને લોકડાઉનનો અમલ કરી કોરોનાને હરાવવાનો છે. સરકાર અને તંત્ર અત્યારે કોરોનાની પરિસ્થિતિને લઇ એકદમ હાઇએલર્ટ મોડ પર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. ગઇકાલે સુરત બાદ હવે અમદાવાદ અને ભાવનગરમાં કોરોના વાયરસના કારણે એક-એક વ્યકિતના મોત નોંધાતાં સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં કુલ ત્રણના મોત નોંધાયા છે. રાજકોટમાં ૧૩ જણાંના કોરોના શંકાસ્પદ કેસ જણાંતા તેમના સેમ્પલ લેબમાં મોકલાયા હતા, જેમાંથી ગઇકાલે ૧૨ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જયારે એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજકોટમાં કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ થયા હતા. રાજયમાં કુલ નોંધાયેલા કોરાના પોઝિટિવના ૪૪ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૬ કેસ નોંધાયા છે.

           ભાવનગરના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના દર્દી એવા કરચરિયા પરાના ૭૦ વર્ષીય વૃધ્ધનું ગઇકાલે મોત નોંધાતા કોરોનાના કહેરને લઇ રાજયભરમાં હવે જાણે કે, સન્નાટો છવાઇ ગયો હતો. આ દર્દી છેલ્લા ૧૪ દિવસથી સર ટી હોસ્પિટલમાં કવોરન્ટાઇન હેઠળ સારવારમાં હતા અને તેઓ દિલ્હીથી પ્રવાસ કરી ભાવનગર આવ્યા હતા. બીજીબાજુ, અમદાવાદ ખાતે જે ૮૫ વર્ષીય વૃધ્ધાનું જે મૃત્યુ નોંધાયુ તે સાઉદી એરેબિયાની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા હતા. તેમને માનસિક બિમારીના લક્ષણો પણ જણાયા હતા. લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવનો નવો કેસ સામે નહી આવતાં રાજય સરકાર અને તંત્રની સાથે સાથેે રાજયની જનતાએ પણ બહુ મોટી રાહત અનુભવી હતી. જો કે, સરકાર અને તંત્ર વધુ આક્રમકતા સાથે અસરકારક આરોગ્ય સેવાની અમલવારીમાં લાગેલું છે. હાલની સ્થિતિએ અમદાવાદમાં ૧૬, સુરતમાં ૭, રાજકોટમાં ૮, વડોદરામાં ૮ અને ગાંધીનગરમાં ૭ તથા કચ્છ અને ભાવનગરમાં ૧-૧ કેસ સામે આવ્યો છે. આમ કુલ મળી ગુજરાતમાં ૪૮ કેસ નોંધાયા છે.  આમ, અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં એક-એક નવા કોરોના પોઝિટિવના કેસો ઉમેરાયા છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા. ૨૭ : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૪૮ થઇ છે.

શહેર

કેસ

અમદાવાદ

૧૬

વડોદરા

૦૮

સુરત

૦૭

રાજકોટ

૦૮

ગાંધીનગર

૦૭

કચ્છ

૦૧

ભાવનગર

૦૧

ગુજરાતમાં કુલ કેસ

૪૮

(8:49 pm IST)