ગુજરાત
News of Wednesday, 27th March 2019

યુવતી પતિના પાસપોર્ટ અને દસ્તાવેજ સાથે અમેરિકામાં

પતિની જાણ બહાર દસ્તાવેજો લઇ અમેરિકા ગઈ : ચર્ચા જગાવનાર મામલો અંતે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

અમદાવાદ,તા.૨૬ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક એનઆરઆઇ યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને અમેરિકા જતી રહેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતી તેના ભાઇનાં લગ્ન માટે પતિ અને માતા-પિતા સાથે અમદાવાદ આવી હતી. લગ્ન પતાવ્યા બાદ ગત મહિને બન્ને જણાંને પરત અમેરિકા જવાનું હતું. યુવક તેનાં માતા-પિતા સાથે એરપોર્ટ પર પહોંચીને પત્નીની રાહ જોતો હતો, જ્યારે બીજી બાજુ પત્ની અને તેનો પરિવાર એરપોર્ટ પહોંચવાની જગ્યાએ સીધાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં, જ્યાં પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ કર્યા બાદ યુવતી પતિના પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ લઇને અમેરિકા જતી રહી હતી. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. ઇસનપુર વિસ્તારમાં આવેલા નમ્રતા એપાર્ટમેન્ટમાં રહેતા વીરેન્દ્રસિંહ રાઉલજીએ નારોલ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની શ્રી ઉર્ફે રીમાબહેન સિસોદિયા વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. જે મુજબ, તેમના લગ્ન તા.૧૯ ફેબ્રુઆરી, ર૦૧૮ના રોજ અમેરિકાના એટલાન્ટામાં રહેતી એનઆરઆઇ શ્રી ઉર્ફે રીમા સિસોદિયા સાથે સામાજિક અને જ્ઞાતિના રિવાજ પ્રમાણે થયાં હતાં. શ્રીના પિતા હરીશભાઇ સિસોદિયા ચાંદખેડા વિસ્તારમાં આવેલ મહારાજા એવન્યૂમાં રહેતા હતા અને છેલ્લા ઘણા સમયથી અમેરિકા સ્થાયી થયા હતા. બન્નેનાં લગ્ન બાદ શ્રી ચારેક મહિના સુધી સાસરીમાં રહી હતી. ત્યારબાદ પરત અમેરિકા માતા-પિતા સાથે જતી રહી હતી. દરમિયાનમાં વીરેન્દ્રસિંહે પણ અમેરિકાની ફાઇલ મૂકી હતી અને તા.૧૯ જુલાઇ, ર૦૧૮ના રોજ તે અમેરિકા જતો રહ્યો હતો. એક લાખ રૂપિયા ટિકિટના ખર્ચીને વીરેન્દ્રસિંહ એટલાન્ટા ગયો હતો, થોડાક દિવસ બાદ વીરેન્દ્રસિંહને યુએસએની એક કંપનીમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી ગઇ હતી. વીરેન્દ્રસિંહનો પગાર મહિને એક હજાર ડોલર હતો, જ્યારે શ્રી પણ નોકરી કરતી હતી. વીરેન્દ્રસિંહ અમેરિકા ગયાના એક મહિના બાદ તેને ઘરજમાઇની જેમ રાખતાં હતાં. વીરેન્દ્રસિંહને એક હજાર ડોલરનો પગાર મળતો હતો તે શ્રી અને તેનાં માતા-પિતા તેમના ખાતામાં જમા કરાવતાં હતાં. શ્રીના ખાતામાં પગાર જમા થઇ ગયા બાદ વીરેન્દ્રસિંહને વાપરવા માટે રૂપિયા આપતાં હતાં. જો વીરેન્દ્રસિંહ પગાર આપે નહીં તો શ્રી, રેખાબા અને હરીશસિંહ ઇન્ડિયા પરત મોકલી દેવાની ધમકી આપીને ટોર્ચર કરતાં હતાં. વીરેન્દ્રસિંહના સાળા હર્ષસિંહનાં લગ્ન તા.૮ ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ હોવાથી તે તેમનાં સાસુ-સસરા અને શ્રી સાથે અમદાવાદ ૩૦ જાન્યુઆરી, ર૦૧૯ના રોજ આવી ગયા હતા. વીરેન્દ્રસિંહ ઇસનપુર ખાતે તેનાં માતા-પિતા સાથે રહેવા માટે આવી ગયો હતો જ્યારે હર્ષસિંહનાં લગ્ન હોવાથી શ્રી તેનાં માતા-પિતા સાથે ચાંદખેડા રોકાઇ હતી. લગ્ન પતાવ્યા બાદ તા.૧૧ ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ બન્ને જણાંની અમેરિકાની રિટર્ન ટિકિટ હતી. વીરેન્દ્રસિંહ ચાંદખેડા શ્રીને લેવા માટે ગયો અને ઇસનપુર તેના ઘરે લાવ્યો હતો. વીરેન્દ્રસિંહના ઘરેથી તેના સસરા હરીશસિંહ, હર્ષસિંહ, રેખાબા અને શ્રી સાંજે એરપોર્ટ જવા માટે જીપ લઇને નીકળ્યાં હતાં. વીરેન્દ્રસિંહ સાથે તેનાં માતા-પિતા હતાં. તે પણ તેની કાર લઇને એરપોર્ટ જવા માટે નીકળ્યો હતો. વીરેન્દ્રસિંહનાં ટિકિટ-પાસપોર્ટ, બેન્કના ડોક્યુમેન્ટ તેમજ લેપટોપ શ્રી પાસે હતાં. તા.૧૧ ફેબ્રુઆરીના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ વીરેન્દ્રસિંહ અને તેનાં માતા-પિતા એરપોર્ટ પર પહોંચ્યાં હતાં, જોકે શ્રી અને તેનાં માતા-પિતા અને ભાઇ એરપોર્ટ આવ્યાં નહીં. ત્રણ કલાક સુધી વીરેન્દ્રસિંહે શ્રીની રાહ જોયા બાદ તેને શંકા ગઇ હતી અને તેણે સાસુ-સસરા, સાળા અને પત્નીને ફોન કરવાના શરૂ કર્યા હતા. તમામ લોકોએ ફોન નહીં ઉપાડતાં વીરેન્દ્રસિંહ સાથે ષડ્યંત્ર રચાયું હોવાની શંકા ગઇ હતી. વીરેન્દ્રસિંહે તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં શ્રી, સાસુ-સસરા અને સાળા વિરુદ્ધમાં અરજી કરી દીધી હતી. વીરેન્દ્રસિંહે તે દિવસે શ્રીના સંબંધીઓને પણ ફોન કર્યા હતા, જોકે કોઇએ સરખો જવાબ આપ્યો નહીં. બીજા દિવસે એટલે કે તા.૧ર ફેબ્રુઆરીના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનથી વીરેન્દ્રસિંહના મોબાઇલ પર પોલીસ કર્મચારીએ ફોન કરીને જાણ કરી હતી કે, શ્રીએ તેમના વિરુદ્ધમાં આઇપીસીની કલમ-૪૯૮ મુજબ ઘરેલુ હિંસા અધિનિયમની ફરિયાદ કરી છે. વીરેન્દ્રસિંહ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જવાબ રજૂ કરીને તેના ઘરે પરત આવી ગયો હતો ત્યારે તેને તા.૩ માર્ચના રોજ જાણવા મળ્યું હતું કે શ્રી અને તેનાં માતા-પિતા તેમજ સાળો અમેરિકા જતાં રહ્યાં છે. પોલીસે શ્રી અને તેના પરિવાર વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરતાં વીરેન્દ્રસિંહે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, જેમાં કોર્ટે તપાસ કરવાના આદેશ આપતાં ગઇકાલે નારોલ પોલીસ શ્રી વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. શ્રી વીરેન્દ્રસિંહના પાસપોર્ટ તેમજ જરૂરી દસ્તાવેજો લઇને અમેરિકા જતી રહી છે.

(12:05 am IST)