ગુજરાત
News of Wednesday, 27th March 2019

ત્રાસવાદ સામે મોદી શાસનમાં ઝીરો ટોલરન્સની નીતિ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

આતંકવાદીઓ અને બળવાખોરોનો સંપૂર્ણ ખાત્મો થઇ રહ્યો છે : યોગી આદિત્યનાથ : અમદાવાદના ઘાટલોડિયામાં પ્રભાત ચોક ખાતે જાહેરસભામાં યોગી આક્રમક દેખાયા : કોંગ્રેસ આસ્થાનું સન્માન ન કરી શકે : પરિવારવાદથી દેશને નુકસાન

અમદાવાદ, તા. ૨૬ : ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવાના મક્કમ ઇરાદા સાથે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરુપે ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. સ્ટાર પ્રચારકો પણ હવે મેદાનમાં આવી ગયા છે. આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ અમદાવાદમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. સાંજે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક ખાતે યોગી આદિત્યનાથે સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યોગીએ સભામાં એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, હાલના દિવસોમાં મોદી હૈ તો મુમકીન હૈ નારો લોકોમાં લોકપ્રિય થઇ ર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ નારો માત્ર નારો નથી. કામ કરીને બતાવવામાં આવ્યું છે. પહેલા આતંકવાદ સામે કોઇ પગલા લેવામાં આવતા ન હતા પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ત્રાસવાદ અને બળવાખોરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. બળવાખોરો સામે સૌથી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રાસવાદીઓ સામે પાકિસ્તાનમાં ઘુસીને બે વખત કાર્યવાહી કરવામાં આવી છે જે આતંકવાદ સામેની અતિકઠોર નીતિને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, આસ્થાનું સન્માન ભાજપ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીનું આ કામ નથી. મોદી સરકારની સિદ્ધિઓની પણ તેઓએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારના શાસનકાળમાં ટૂંકાગાળામાં ચાર કરોડ લોકોને વિજળી કનેક્શન, ૮ કરોડ લોકોને ગેસ કનેક્શન અને લાખો લોકોને આવાસની સુવિધા મળી ગઈ છે. લાખો લોકોના બેંક ખાતા ખુલી ગયા છે. કોંગ્રેસના લોકો ચૂંટણી વેળા માત્ર મોટા વચનો આપીને મતદારોને ગેરમાર્ગે દોરે છે. ૫૫ વર્ષ સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે પરંતુ ગરીબી ઓછી થવાના બદલે ગરીબી વધી હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ પાર્ટીમાં વંશવાદ અને પરિવારવાદની રાજનીતિ રહી છે. પરિવારવાદથી આગળ આ પાર્ટી વધી શકી નથી. પરિવારવાદ અને વંશવાદના લીધે દેશને ભારે નુકસાન થયું છે. યોગીએ ઘાટલોડિયામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, મોદીની દૂરદર્શી નીતિના લીધે આજે વારાણસી વૈશ્વિક નક્શા ઉપર છે. વિશ્વભરમાં તેની નોંધ લેવામાં આવી રહી છે. વિશ્વમાં એક નવી ઓળખ વારાણસીને મળી છે. પ્રયાગરાજમાં હાલમાં જ કુંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૧૩ની સરખામણીમાં અનેકગણા વધુ લોકો પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવા છતાં કોઇ અંધાધૂંધી થઇ ન હતી. કુંભમાં પહોંચેલા તમામ લોકો આ વખતે પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. ૨૦૧૩માં જ્યારે મહાકુંભનું આયોજન કરાયું હતું ત્યારે અંધાધૂંધી અને મારામારીના અનેક બનાવો બન્યા હતા જેના કારણે તેની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. વારાણસીમાં સાંસદ તરીકે મોદી પહોંચ્યા બાદ વારાણસીમાં એક પછી એક વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. બીજી બાજુ અમિત શાહની ઉમેદવારી ગર્વની બાબત છે. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવવામાં ભૂમિકા અદા કરનાર અમિત શાહના માર્ગદર્શન હેઠળ પાર્ટી વધુ મજબૂતરીતે આગળ વધી રહી છે. અમિત શાહ આજે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવાર બન્યા છે ત્યારે વધારે ગર્વ લેવાની બાબત છે.

(8:30 pm IST)