ગુજરાત
News of Saturday, 27th February 2021

ગાંધીનગરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી બે સંતાનો સાથે કેનાલમાં કૂદવા જતી પરિણીતાને અભયમ મહિલા હેલ્પલાઇનદ્વારા બચાવી લેવામાં આવી

ગાંધીનગર:શહેરમાં રહેતી એક પરિણીતાને પતિ સાસરીમાંથી પિયર લઈ જવા માટે નહીં આવતાં પરિણીતા તેના બે સંતાનો સાથે કેનાલમાં કુદવા પહોંચી હતી જો કે અભ્યમ મહિલા હેલ્પલાઈન દ્વારા પરિણીતાને સમજાવીને બચાવી લેવામાં આવી હતી. પરીણીતા સાસરી કે પિયર જવા તૈયાર નહીં થતાં તેને આશ્રમગૃહ ખાતે મોકલી આપવામાં આવી છે અને તેનું કાઉન્સેલીંગ ચાલુ રાખવામાં આવ્યું છે.    

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં રહેતી એક પરીણીતા તેના બે સંતાનોને લઈ થોડા દિવસ અગાઉ પિયરમાં રહેવા માટે આવી હતી. ત્યારબાદ તેણે તેના પતિને ફોન કરીને લઈ જવા માટે કહયું હતું. જો કે પતિએ તેના પિતા કે ભાઈને મુકી જવાનો આગ્રહ રાખી તેડવા આવવાની ના પાડી હતી અને આ પરિણીતાએ પતિ જ તેને તેડવા આવે તેઓ આગ્રહ રાખ્યો હતો. પતિએ પણ જો તેનો ભાઈ ના મુકવા આવે તો હવે પછી સાસરીમાં નહીં આવે તેમ કહી દીધું હતું. જો કે આ પરિણીતા ઘરેથી સાસરીમાં જવા માટે નીકળી હતી પરંતુ સાસરીમાં જવાના બદલે તે તેના બે સંતાનોને લઈ નર્મદા કેનાલ ઉપર પહોંચી હતી અને જીવન ટુંકાવવાનું નક્કી કર્યું હતું. જો કે બે બાળકો સાથે કેનાલમાં કુદવાનું મન માન્યું નહોતું અને તેણીએ અભ્યમ મહિલા હેલ્પલાઈનને ફોન કરતાં ટીમ તુરંત જ કેનાલ ઉપર દોડી ગઈ હતી અને મહિલાનું કાઉન્સીલીંગ કર્યું હતું. જો કે મહિલા સાસરી કે પિયર જવા તૈયાર થઈ નહોતી જેથી તેને આશ્રમગૃહ ખાતે મોકલી આપવામાં આવી છે. હેલ્પલાઈન દ્વારા હવે તેના પતિનો સંપર્ક કરી તેને પણ સમજાવીને સમાધાનના પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

(5:12 pm IST)