ગુજરાત
News of Thursday, 27th February 2020

GIDCમાં કેમિકલ કંપનીમાં બોઇલર બ્લાસ્ટમાં એકનું મોત

કેમિકલ સળગતાં પ્રચંડ બ્લાસ્ટ થતાં દહેશત :જહેમત બાદ પ્રચંડ આગ કાબૂ મેળવવામાં મળેલ સફળતા

અમદાવાદ,તા. ૨૭ : સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી એસીટો કેમીકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતીજેમાં એક કામદારનું મોત થયુ હોવાની વાત સામે આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ કામદારના મૃતદેહને બહાર કાઢયો હતો. જયારે બીજો કામદાર ગાયબ જણાતાં તેની પણ શોધખોળ હાથ ધરાઇ છે. કંપનીમાં કેમીકલ સળગતાં પ્રચંડ બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. કેમીકલ કંપનીમાં લાગેલી આગને જોઇ ગભરાઇ ગયેલો અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે ચોથા માળે કામ કરી રહેલો રાજુ પાસવાન(..૪૦) ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.

         સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અમનસિંહ કેવટે જણાવ્યું હતું કે, હું કામ કરી રહ્યો હતો. ત્યારે આગ લાગતા હું ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો. મારી સાથે કામ કરી રહેલા મારા બે મિત્રો પપ્પુ અને આમોદ આગ લાગ્યા બાદ ગુમ થયા છે. હજી કોઇ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. મને તેમની ચિંતા છે કે, મારા બન્ને મિત્રો જીવતા હશે કે નહીં. સુરતના પાંડેસરા જીઆઇડીસી સ્થિત એસીટો કેમીકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમીકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી.              

         કામદાર અમનસિંહ ગંગાદીન કેવટ(..૨૨) (રહે, ગણેશનગર, પાંડેસરા, સુરત, મૂળ, ઉત્તરપ્રદેશ) મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. કેમીકલ ફેક્ટરીમાં આગ લાગતા તે ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં ૪૦થી ૫૦ કામદારો કામ કરી રહ્યા હતા. ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી આવી હતી. કેમીકલ સળગવાને કારણે એક પોલીસ અધિકારી અને ચાર થી પાંચ પત્રકારોને આંખોમાં બળતરા થઇ હતી.

           ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, કંપનીમાં નાઈટ્રિક એસિડ સ્પ્રીંડ થવાના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશેકલી પડી હતી. કંપનીમાં ફાયર સેફટીના સાધનો પરંતુ એનઓસી લેવામાં આવી નથી ફાયરની એનઓસી ના હોવાથી અધિકારીઓ સાથે ચર્ચા કરીને કાર્યવાહી કરવામાં આવશે. અને કંપનીમાં જોખમકારક કેમીકલ એસિડ પણ હતો. જોકે સમયસૂચકતાને પગલે મોટી દુર્ઘટના ટળી હતી. એસીટો કેમીકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કૌશલભાઇ અને બંસીભાઇ છે અને કંપનીમાં કેમિકલના રો-મટિરિટલમાંથી કાપડ ડાઇંગ હાઉસ માટે કેમીકલ બનાવવામાં આવતુ હતું. અને કેમીકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી.

(9:02 pm IST)