ગુજરાત
News of Thursday, 27th February 2020

સુરતના પાંડેસરામાં વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામઃ ઝેરી ગેસ છૂટતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ

સુરત :સુરતમાં કંપનીઓ અને બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મારૂતી ડાઈંગ મીલની બાજુમાં આવેલી કેમીકલ ફેક્ટરી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે પાંડસેરા, સચીન, મજૂરી ગેટ, પલાસાણાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગને પગલે લોકોમાં  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારણ કે, આગ લાગ્યા બાદ ઝેરી ગેસ વછૂટ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.

સુરતના પાંડેસરામાં આગ લાગતા ફેક્ટરીમાંથી ઝેરી ગેસ નીકળ્યો હતો. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ફેક્ટરીમાં લાગેલી આગમાં 2 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. કંપનીમાંથી છૂટેલા નાઈટ્રીક એસિડ હોવાથી પાણીથી આગને રોકી શકાય તેમ ન હતું. આ કંપનીમાં વિવિધ કેમિકલના પ્રોડક્ટ્સ બને છે. ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ફાયરની ગાડીઓ મોટી સંખ્યામાં પહોંચી ગઈ હતી, અને આગ બૂઝવવાની કામગીરી કરવામાં આવી હતી. પાણીથી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ સફળ નીવડ્યો ન હતો. તેથી આગ પર કાબૂ મેળવવા માટે ફોમનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કેમિકલને કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ અસર ન થાય તે માટે ખાસ બનાવટના બૂટ અનો ગ્લોવ્ઝ પહેરીને પહોંચ્યા હતા. કંપનીમાં મોટી સંખ્યામાં કામદારો અંદર ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. તો પોતાને બચાવવા માટે એક કામદાર ત્રીજા માળેથી નીચે કૂદ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે. આ કામદાર ઈજાગ્રસ્ત બન્યો હતો તેવું કહેવાય છે.

આ આગની અસર દોઢથી બે કિમી વિસ્તારમાં થઇ હતી. બે કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા. જેથી લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.

(4:36 pm IST)