ગુજરાત
News of Thursday, 27th February 2020

નર્મદા નિગમને રૂ. ૧૪૯૦ કરોડની ખોટ

પ લાખથી વધુ રકમ બાકી હોય તે નોટીસ પછી ભરપાઇ ન કરે તો પાણી આપવાનું બંધ

ગાંધીનગર તા. ર૭: નર્મદા નિગમની આવક-જાવક અને ખોટ અંગે કોંગી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા નર્મદાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવેલ કે નિગમને ર૦૧૭-૧૮ વર્ષમાં ઘસારા અને અન્ય રાઇટ ઓફ બાદ ૧૭૧૧.ર૭ અને ર૦૧૮-૧૯ના વર્ષમાં ૧૪૯૦ કરોડની ખોટ થઇ છે.

નર્મદા વિકાસ મંત્રીએ જણાવે કે છેલ્લા બે નાણાકીય વર્ષમાં સને ર૦૧૭-૧૮ના વર્ષમાં રૂ. પ૭૯.૬૬ કરોડ અને ર૦૧૮-૧૯ના વર્ષમાં રૂ. ૭૧૩.૩૮ કરોડની આવક થયેલ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. સરદાર સરોવર ડેમ તથા તેને સંલગ્ન માળખું, કેનાલ તથા તેની શાખા-પ્રશાખાઓની બાંધકમ તથા જાળવણીનું, સિંચાઇ, ઉદ્યોગો તેમજ ઘરવપરાશ માટે પાણી પહોંચાડવા તથા કેવડીયા ખાતે પ્રવાસનને પ્રોત્સાહન આપવાના કાર્યો કરે છે. આમ નિગમ સામાજીક ઉદ્દેશોને ધ્યાને રાખી કાર્ય કરતી સંસ્થા હોય, વાણિજિયક હેતુઓ, નિગમના મુખ્ય હેતુમાં સમાવિષ્ટ થતા નથી.

નર્મદા નિગમ લિ.ને થતી આવક પૈકી પાણીની આવક ''કેશ બેઝીસ'' તરીકે હિસાબોમાં લેવામાં આવેલ છે. બિલ આકરણી મુજબ બાકી રહેતી વસુલાત વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.

પાંચ લાખથી વધુની રકમ બાકી હોય તેવા ઔદ્યોગિક એકમોને બાકી નાણા તાત્કાલિક ભરપાઇ કરવા નોટીસી પાઠવવામાં આવેલ છે. વધુમાં નોટીસ પાઠવ્યા બાદ પણ બાકી રહેતી રકમની ચુકવણી ન કરતા ઔદ્યોગિક એકમોને પાણીનો સપ્લાય બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. ઘરવપરાશ માટે આપવામાં આવતા પાણીની રકમની વસુલાત અંગે GWSSB, GWIL તથા મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકા જેવી કે ભરૂચ નગરપાલિકાને સમયાંતરે નોટીસ તથા પત્રો પાઠવવામાં આવેલ છે. સિંચાઇ માટે આપવામાં આવતા પાણીની રકમની રીકવરી માટે ગ્રામ પંચાયત કચેરીએ ખેડૂતોની બાકી વસુલાતોની યાદી પાઠવી વસુલાતની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(4:02 pm IST)