ગુજરાત
News of Thursday, 27th February 2020

જીએસટીનું રિટર્ન મોડું ભરનારને વ્યાજ વસુલાત નોટીસ ફટકારવાનું શરૂ

હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ છતાં સિસ્ટમ જનરેટેડ નોટીસથી વેપારીઓમાં રોષ

અમદાવાદ, તા. ર૭ :  સામાન્ય રીતે જીએસટી રીટર્ન મોડુ ભરનારા કરદાતા પાસેથી દંડની વસુલાત કરવામાં આવે છે, પરંતુ કયારેય તેના પર વ્યાજ વસુલવામાં આવતુ ન હતું જયારે વ્યાજ વસુલાતની કાર્યવાહી કરવામાં આવી ત્યારે તેના વિરૂદ્ધ વેપારીઓએ હાઇકોર્ટમાં અપીલ કરતા તેના પર સ્ટે મુકાયો છે. તેમ છતાં જીએસટી વિભાગ દ્વારા વ્યાજ વસુલાતની નોટીસો ફટકારવાનું શરૂ થતા વેપારીઓમાં કચવાટ અને મુંઝવણ ઉભા થયાં છે.

શહેરના બે લાખથી વધુ વેપારીઓ પાસે જીએસટી નંબર છે, તે પૈકી જો વેપારીને રિટર્ન ભરવામાં મોડું થાય તો રોજ ના ૧૦૦ લેખે દંડ વસુલવામાં નોટીસ આપવામાં આવી રહી છે, જે સિસ્ટમ જનરેટેડ છે, પરંતુ હાઇકોર્ટમાં આ બાબત પેન્ડિંગ હોવાના કારણે તેનો અમલ થશે નહિ.

કેટલાક વેપારીઓને તો એક રૂપિયાનું વ્યાજ ભરવા માટે પણ નોટીસ આપવામાં આવી છે. બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીએ ઓડિટ સાથેનું રિટર્ન ભરવાની છેલ્લી તા. ૩૧ માર્ચ હોવા છતાં હજુ સુધી જીએસટી વિભાગે વેબસાઇટ પર ફોર્મ તો મુકયું છે, પરંતુ અનેક કિલક કરવા છતાં ફોર્મ ન ખુલતું હોવાની ફરીયાદ તંત્રને મળી રહી છે. ઓડિટ રીટર્ન સાથેનું વાર્ષિક રીટર્ન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ નકકી કરવામાં આવી છે, જયારે ફેબ્રુઆરી માસ પૂર્ણ થવામાં છે, છતાં જીએસટી વિભાગે વાર્ષિક રીટર્ન ફોર્મ જ અપલોડ નથી કર્યુ. તેના કારણે વેપારીઓની સાથે ટેકસ કન્સલ્ટન્ટની પણ સમસ્યામાં વધારો થઇ રહ્યો છે.

(4:01 pm IST)