ગુજરાત
News of Friday, 27th January 2023

ભુપેન્‍દ્રભાઈના સ્‍ટેજ સુધી ડ્રોન પહોંચતા પોલીસમાં દોડધામ : એક વ્‍યકિતની અટકાયત

વડોદરાના બાળમેળાના ઉદઘાટન કાર્યક્રમમાં સીએમ સુરક્ષામાં મોટી ચૂક

વડોદરા તા.૨૭ : વડોદરામાં પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું સામે આવ્‍યું છે. કમાટીબાગમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્‍યમંત્રીના સ્‍ટેજ પાસે જ ડ્રોન ઉડતું જોવા મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ડ્રોન કેમેરો જપ્ત કરીને એક વ્‍યક્‍તિની અટકાયત કરી છે.ᅠ

રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં તેઓ અનેકવિધ કાર્યક્રમમાં સામેલ થશે. વડોદરામાં આજે સવારે મુખ્‍યમંત્રીએ ૫૦માં બાળમેળાનો શુભારંભ કરાવ્‍યો હતો. કમાટીબાગ ખાતે આયોજિત બાળમેળાના કાર્યક્રમ સમયે પોલીસ મંજૂરી વિના ડ્રોન ઉડતું જોવા મળ્‍યું હતું.ᅠ

આ દરમિયાન સીએમ ભૂપેન્‍દ્રભાઈ પટેલના સ્‍ટેજ પાસે અચાનક એક ડ્રોન પહોંચ્‍યું હતું. જે બાદ સુરક્ષા બંદોબસ્‍તમાં તૈનાત પોલીસ જવાનો દોડતા થયા હતા. આ પ્રકારની ખામી જોઈને બે ઘડી માટે ખુદ સીએમ ભૂપેન્‍દ્રભાઈ પણ આヘર્યમાં મુકાઈ ગયા હતા.જે બાદ પોલીસે ડ્રોન કેમેરો જપ્ત કરીને એક વ્‍યક્‍તિની અટકાયત કરી હતી.

આ પહેલા સુરત ખાતે ગત ઓગસ્‍ટ મહિનામાં યોજાયેલ તિરંગા યાત્રા કાર્યક્રમમાં પિસ્‍તોલ સાથે મહેશ દેવાણી નામનો શખ્‍સ ધસી આવ્‍યો હતો. જોકે, મુખ્‍યમંત્રીના અંગ રક્ષકો દ્વારા તાત્‍કાલિક અસરથી તેને અટકાવવામાં આવ્‍યો હતો અને સ્‍થાનિક પોલીસને સોંપી અટકાયત કરવામાં આવી હતી. સ્‍થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં યુવક મહેશ દેવાણીએ ધારાસભ્‍ય વી.ડી.ઝાલાવાડિયાનો સંબંધી હોવાનું જણાવ્‍યું હતું. જો કે, ત્‍યારબાદ ઉમરા પોલીસે જાણવાજોગ નોંધીને યુવકને મુક્‍ત કર્યો હતો.

(1:36 pm IST)