સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોએ ધો-9ના વિદ્યાર્થી પર ચપ્પુના ઘા જીકતા હાલત ગંભીર
સુરત: શહેરના પાંડેસરાના ગણપત નગરમાં ધોરણ-9ના વિદ્યાર્થીને પેટમાં ચપ્પુ મારી આંતરડા બહાર કાઢી નખાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સામાન્ય બાબતને લઈ ચાર યુવાનોએ કરેલા હિંસક હુમલામાં વિદ્યાર્થીને 4 ઘા મરાયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાયો હતો. અનીશ દયારામ ચમાર (વિદ્યાર્થી) એ જણાવ્યું હતું કે, બુધવારની બપોરે જમીને ઘરની બહાર નીકળતા જ સોસાયટીના ગેટ ઉપર બેસેલા ત્રણથી ચાર જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. 'તું ગાળ કેમ આપે છે' તેમ કહી હુમલો કરાયો હતો. હાથ અને પેટમાં ચપ્પુ મારી દેતા હું જમીન પર ઢળી પડ્યો હતો. સોસાયટીના લોકોએ 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. મારાં પરિવારને આંતરડા બહાર નીકળી ગયા હોવાની જાણ થતાં ગભરાઈ ગયા હતા. અમારું પરિવાર શ્રમજીવી છે. મમ્મી-પપ્પા 5 બહેન અને 3 ભાઈ છે. પપ્પા મજૂરી કામ કરે છે. બે બહેનો અને બે ભાઈ અભ્યાસ પણ કરી રહ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છું.