ગુજરાત
News of Thursday, 27th January 2022

સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

સોજીત્રા: તાલુકાના ડભોઉ ગામે રહેતી એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી જુદી-જુદી જગ્યાએ લઈ જઈને તેણીની મરજી વિરૂદ્ઘ દુષ્કર્મ ગુજારનાર શખ્સને આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને દશ વર્ષની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામે રહેતા પવનકુમાર ઉર્ફે પપ્પુ ભરતભાઈ પટેલ (ઉ. વ. ૧૯)નું મોસાળ સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે થતું હોય તે અવાર-નવાર મોસાળમાં આવતો હતો. દરમ્યાન નજીકમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ગત ૧૦-૮-૧૫ના રોજ બપોરના સુમારે લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતા આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. અને ગત ૬-૯-૧૫ના રોજ પવનકુમાર ઉર્ફે પપ્પુભાઈને ઝડપી પાડીને તપાસ પૂર્ણ કર્યા બાદ પુરાવાઓ મળી આવતાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યું હતુ.આ કેસ આણંદના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત સરકારી વકીલ એન. પી. મહિડાએ દલિલો કરતા જણાવ્યું હતુ કે, કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડીને અમદાવાદ, ગાંધીનગર, માણસા વગેરે જગ્યાઓએ લઈ જઈને તેણીની મરજી વિરૂદ્ઘ દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે ભોગ બનનાર તેમજ સાહેદોની જુબાની, મેડીકલ પુરાવાઓ તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે. સમાજમાં આ પ્રકારના કિસ્સાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જઈ રહ્યું છે ત્યારે દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૩ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૧૮ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ન્યાયાધીશ જી. એચ. દેસાઈએ સરકારી વકીલની દલિલોને ગ્રાહ્ય રાખીને આરોપી પવનકુમાર ઉર્ફે પપ્પુભાઈને તકશીરવાર ઠેરવીને કુલ દશ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૭ હજારનો દંડ, જો દંડ ના ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે સાથે ભોગ બનનારને વળતર પેટે પાંચ લાખ ચુકવવા માટે પણ ચુકાદામાં નિર્દેશ કર્યો હતો. ચુકાદા વખતે આરોપી કોર્ટમાં હાજર ના હોય તેના વિરૂદ્ઘ બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.

 

(5:24 pm IST)