ગુજરાત
News of Thursday, 27th January 2022

નરેશ પટેલ, શંકરસિંહ, અલ્‍પેશ કથિરીયા આવે તો કોંગ્રેસમાં સ્‍વાગત : રઘુ શર્મા

કોંગ્રેસ પ્રભારી સાથે કોંગ્રેસના ધારાસભ્‍ય લલિતભાઇ વસોયા, લલિતભાઇ કગથરા, કિરીટ પટેલની મુલાકાતથી રાજકિય ગરમાવો : ગુજરાત કોંગ્રેસ પ્રભારી ચાર દિવસ ગુજરાતમાં : વિધાનસભા ચૂંટણીને લઇને કવાયત શરૂ

રાજકોટ તા., ર૭ : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતના ૪ દિવસના પ્રવાસે આવી રહયા છે.
અમદાવાદ કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે રઘુ શર્મા બેઠક કરશે. ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીના અનુસંધાને રણનીતી ઘડવા માટે મનોમંથન કરવામાં આવશે.
રઘુ શર્માના ગુજરાત પ્રવાસને લઇને કાર્યકરો અને આગેવાનોમાં ઉત્‍સાહ છવાયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટી ખબર સામે આવી છે. ચૂંટણીઓની સીઝન આવી રહી છે, ત્‍યારે સ્‍વાભાવિક રીતે જૂના સાથીઓ અને જોગીઓ પાર્ટીઓને યાદ આવતા હોય છે. કોંગ્રેસના કિરીટ પટેલ લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્‍યોએ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
અલ્‍પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્‍યોએ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે રાજકારણ ગરમાયું છે. આ ઘટના ક્રમ વચ્‍ચે લોકોમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે શું પાટીદાર અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ, અલ્‍પેશ કથીરિયાને કોંગ્રેસે પક્ષમાં જોડવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે.ᅠ
નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું આજે એક મોટું અને મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્‍યું છે. કોંગ્રેસ પ્રભારીએ જણાવ્‍યું છે કે નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્‍વાગત કરવા અમે તૈયાર છીએ. નરેશ પટેલ મોટો સામાજિક ચહેરો છે. બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે નરેશ પટેલ અંગે યોગ્‍ય સમયે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસનું કેન્‍દ્રીય નેતૃત્‍વ આખરી નિર્ણય લેશે.ᅠ બીજી બાજુ રઘુ શર્માએ જણાવ્‍યું હતું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્‍પેશ કથીરિયાનું પાર્ટીમાં સ્‍વાગત છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ કોંગ્રેસમાં તેમના સ્‍વાગત અંગે સંકેત આપ્‍યા હતા. ત્‍યારે જગદીશ પટેલે પણ જણાવ્‍યું હતું કે નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. સામાજિક નેતાઓ અને કોંગ્રેસ બંને એક બીજાના સંપર્કમાં છે. જરૂર પડે ત્‍યારે કોંગ્રેસ પન્નાઓ ખોલશે.
પાટણના ધારાસભ્‍ય કિરીટ પટેલનું આ મુદ્દે એક નિવેદન સામે આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું કે અમે પ્રભારી સાથે મુલાકાત કરી છે. સુરતમાં કોંગ્રેસને મજબૂત કરવા ચર્ચા થઈ છે. સુરતમાં પાટીદાર સમાજનું પ્રભુત્‍વ છે. ૨-૩ નામો પર ચર્ચા થઈ છે એ અત્‍યારે જાહેર નહીં કરું શકું. પ્રભારીએ લલિત કગથરા અને લલિત વસોયાને મોટી જવાબદારી આપી છે. એ બંને ધારાસભ્‍યો આ લોકો સાથે ચર્ચા કરશે. સુરત એ રાજકારણનું એપિસેન્‍ટર છે અને ત્‍યાં બેઠકો લાવવી જરૂરી છે. એટલે ત્‍યાં સંગઠન મજબૂત કરવામાં આવશે. અલ્‍પેશ સહિત ૨-૩ ચહેરા સાથે વાત ચાલુ છે. હાર્દિક પટેલ પણ અમારી સાથે જ છે. અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં સંગઠનને મજબૂત કરવા ભાર મુક્‍યો છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ગત ચૂંટણી કરતા વધુ બેઠકો મેળવશે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ એક જાહેર મંચ પરથી રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણીતા ચહેરાઓને શરણે જઈ રહ્યા હોય તેવી સ્‍થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જાણીતા ચહેરાઓને કોંગ્રેસ તરફી કરવા માટે અત્‍યારથી પ્રયત્‍નો શરૂ કર્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્‍તારનો ગઈકાલનો જગદીશ ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાના વખાણ કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનેક નેતાઓ હાજર હતા, ત્‍યારે તેમણે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્‍યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે શંકરસિંહ વાઘેલાના વખાણ કરતા તમામ લોકોને વિચારતા કરી મૂક્‍યા હતા. જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો બાપુ પ્રત્‍યેનો પ્રેમ ઉભરાતા કોઈને કંઈ સમજાયું નહોતું. તેમણે જણાવ્‍યું કે, સંઘર્ષ એટલે બાપુ અને બાપુ એટલે સંઘર્ષ...જાહેર જીવનનો બાપુને ખુબ બહોળો અનુભવ છે. હું બિમાર પડ્‍યો ત્‍યારે પણ બાપુને જોઈને તૈયાર થયો છું. આ નિવેદન બાદ કાર્યકરો અને અનેક નેતાઓમાં મોટી ચર્ચા ચાલી રહી હતી.
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે આવ્‍યા છે. વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ કવાયત શરૂ કરી છે. ᅠઆજે કોંગ્રેસ ભવન ખાતે રાજકોટ, જૂનાગઢ , ગીર સોમનાથ , વડોદરા જિલ્લા અને શહેરના આગેવાનો સાથેᅠ બેઠક યોજાય છે. કાલે તા. ૨૮ જાન્‍યુ.એ એસ.સી. સેલના ચેરમેન હિતેન્‍દ્ર પીઠડીયાનો પદભાર સમારંભ હાજરી આપશે. કોંગ્રેસ દ્વારા કોરોના પગલે ઇન્‍દીરા ગાંધી આઇસીયુ વિથ એમ્‍બ્‍યુલન્‍સ વાન અને મોબાઇલ ક્‍લનિક વાન અર્પણ વિધિ કાર્યક્રમમાં ભાગ લેશે.
તા. ૨૯ મી જાન્‍યુ.એ સુરત સચિન જી.આઈ.ડી.સી. માં કેમિકલન બ્‍લાસ્‍ટ લઈને બનેલી ઘટના અંગે કોંગ્રેસની ફેક્‍ટ ફાઈન્‍ડિંગ કમિટી બેઠકᅠયોજાશે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર લીડર સાથે પ્રદેશ સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા મહત્‍વની બેઠકᅠયોજાશે.
તા. ૩૦ મીએ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધી પ્રાર્થના સભાનું આયોજન થશે, જેમાં પણ ડો. રઘુ શર્મા રહેશે હાજર રહેશે.

 

(2:54 pm IST)