ગુજરાત
News of Thursday, 27th January 2022

આઝાદીના ઘડવૈયાઓની અપેક્ષા મુજબનું ગુજરાત બનાવવા સહીયારો પુરૃષાર્થ કરીએ : મનોજ દક્ષિણી

આણંદમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરાવતા કલેકટર

આણંદ ખાતે ગઇકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી એમ.વાય.દક્ષિણી (આઇ.એ.એસ.)એ ધ્વજવંદન કરાવી પ્રાસંગિક પ્રવચન કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨૭ : આણંદમાં ગઇકાલે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી થયેલ. જિલ્લા કલેકટર શ્રી મનોજ વાય. દક્ષિણી (આઇ.એ.એસ.)એ ધ્વજવંદન કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચનમાં આઝાદીના ઘડવૈયાઓની અપેક્ષા મુજબના ગુજરાત નિર્માણ માટે સહીયારો પુરૃષાર્થ કરવા આહવાન કર્યુ હતું.

કલેકટર શ્રી એમ.વાય.દક્ષિણીએ તિરંગા રાષ્ટ્રધ્વજને સલામી આપીને જણાવેલ કે, આઝાદીના લડવૈયાઓ જાનની પરવા કર્યા વગર દેશ માટે લડત લડયા હતા. સરદાર વલ્લભભાઇ પટેલએ દેશની એકતા અને અખંડિતતાનું કાર્ય કર્યું હતુ. આજના દિવસે (૨૬ જાન્યુઆરીએ) બંધારણ અમલમાં આવેલ. બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને વંદન કરીએ છીએ. આઝાદીની લડતમાં આણંદ જિલ્લાનું મહામુલુ યોગદાન છે. હમણા જ રાજ્ય સરકારના સુશાસનના ૧૨૧ દિવસ પૂરા થયા છે. સેવા, સમાજ, કૃષિ, ઉદ્યોગ વગેરે ક્ષેત્રે રાજ્યની પ્રગતિ થઇ છે. વિકાસની સ્પર્ધામાં ગુજરાત દેશમાં મોખરે છે. આણંદ જિલ્લો તેમાં સહભાગી છે. આણંદ જિલ્લાએ લોકપ્રતિસાદ અને લોકફરિયાદોના નિકાલ માટે એપ. અમલમાં મુકી છે. એન.આર.આઇ. માટે ખાસ પોર્ટલ શરૃ કર્યું છે. રાજ્યના વધુ વિકાસ માટે સહીયારો પુરૃષાર્થ કરીએ.

કલેકટર શ્રી દક્ષિણીએ આણંદ જિલ્લાને લાગુ પડતી સરકારની વિવિધ યોજનાઓ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં જિલ્લાનું યોગદાન, રસીકરણ, આઝાદીનો અમૃત મહોત્સવ વગેરેનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, એસ.પી.અજિત રાજવાણ, ડી.ડી.ઓ. બી.જી.પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:12 pm IST)