ગુજરાત
News of Thursday, 27th January 2022

વલસાડમાં વર -કન્યા સહીત જાનૈયા સામે પોલીસની કાર્યવાહી મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું જવાબદારો સામે પગલાં લેવાશે

દરેક પગલાં લેતા પહેલાં તેની સામાજિક અસર જોવી તે પોલીસની કામગીરી :આ પ્રકારની ભૂલમાં આ પ્રકારનું વર્તન જરાય ચલાવી લેવાશે નહીં

વલસાડમાં રાત્રી કરફ્યૂ દરમિયાન વર-કન્યા અને જાનૈયા સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જે મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપ્યાની જાણકારી આપી છે. તેમણે જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

રાજ્યના ગૃહપ્રધાને કહ્યું કે તેઓ સ્પષ્ટ માને છે કે દરેક પગલાં લેતા પહેલાં તેની સામાજિક અસર જોવી તે પોલીસની કામગીરીમાં આવે છે. ખાસ કરીને લગ્ન, હેલ્મેટ, માસ્ક જેવી ભૂલોમાં લોકો સાથે રીઢા ગુનેગારોની જેમ વર્તન ન કરવું જોઈએ. ગુજરાત પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે સૂચના આપી છે કે સામાજિક પરિસ્થિતિ અને ગુનાને કયા પ્રકારની ભૂલ છે તે જોઈને નિર્ણય લેવો જોઈએ. આ પ્રકારની ભૂલમાં આ પ્રકારનું વર્તન જરાય ચલાવી લેવાશે નહીં. સંપૂર્ણ ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીને આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડમાં પોલીસની હેરાનગતિના કારણે વર-કન્યાને જેલમાં જ રાત વિતાવી પડી હતી. કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકારે મહાનગરો સહિત કેટલાક નાના શહેરોમાં પણ રાત્રી કરફ્યૂ લગાવેલો છે. જેને પગલે રાત્રિ દરમિયાન પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. સોમવારે રાત્રે પણ પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસના હાથે વર અને કન્યા ઝડપાઈ ગયા. બંનેની સાથે 35 જેટલા જાનૈયાઓએ પણ આખી રાત પોલીસ સ્ટેશનમાં વીતાવવી પડી. પોલીસે વરરાજા અને દુલ્હન સહિત 35 લોકો સામે કરફ્યૂનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી હતી.

(11:26 pm IST)