ગુજરાત
News of Wednesday, 27th January 2021

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડના લોકો વચ્ચે ચકમક : હવે મત લેવા આવો તો ખરા : પ્રજાજનોનો આક્રોશ

અનિયમિત પાણી મળતું હોવાના મુદ્દે રહીશોનો રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખના ઘરે હલ્લાબોલ, મહિલા પૂર્વ પ્રમુખ લોકો પર ગુસ્સે ભરાયા હોવાનો વોડીઓ વાયરલ થતા ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાલિકાની ચુંટણી આગામી 28/2/2020ના રોજ યોજાવાની છે એક તરફ ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ રાજપીપળા નગરપાલિકા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવા શરુ કર્યું છે ત્યારે બીજી બાજુ રાજપીપળા નગર પાલિકા પૂર્વ પ્રમુખ જીગીશાબેન ભટ્ટના ઘરે અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે નાગરિકો પહોંચ્યા હતા.દરમિયાન બન્નેવ વચ્ચે ભારે ચકમક જામી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાજપીપળા પાલિકા વૉર્ડ નંબર 4 ના રહીશો પાલિકા પૂર્વ પ્રમુખ જીગીશાબેન ભટ્ટના ઘરે રજુઆત કરી રહ્યા હતા એ દરમીયાન રહીશો અને પાલિકા પ્રમુખ વચ્ચે બોલાચાલ થઇ હતી બન્ને પક્ષ તરફથી ના બોલવાના શબ્દો પણ ઉચ્ચારાયા હતા.પાલિકા વૉર્ડ નંબર 4ના રહીશોનું એમ કહેવું છે કે અમારા વિસ્તારમાં છેલ્લા 10-12 દિવસથી અનિયમિત પાણી આવે છે અને અમુક વાર પાણીનો ફોર્સ પણ ઓછો આવે છે.અમે એ બાબતે છેલ્લે કંટાળીને પૂર્વ પાલિકા પ્રમુખના ઘરે રજુઆત કરવા ગયા તો તેઓએ અમને ફાલતુ વ્યક્તિઓ તરીકેનું સંબોધન કર્યું હતું. જીગીશા બેન ભટ્ટ અમારા જ વૉર્ડમાંથી ચૂંટાઈને પ્રમુખ બન્યા છે એમની એટલી ફરજ તો બને કે સમસ્યાનું નિવારણ લાવે.અમે એમને મત આપ્યા અને અમારી સાથે જ ખરાબ વર્તન કરે એ ન ચાલે.તેઓ હવે અમારી પાસે વોટ લેવા કેરી રીતે આવે છે એ પણ અમે જોઈશું.
રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા બેન ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે અનિયમિત પાણી પુરવઠા બાબતે  મેં પોતે પાલિકા CO, નર્મદા કલેકટર, ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરી જ છે, એવી અમારા વિસ્તારના લોકોને ખબર જ છે અને એનું નિરાકરણ પણ આવી જશે.રાજપીપળા પાલિકામાં વહિવટીદારનું શાસન છે, જો મારા વોર્ડના લોકોએ શાંતિથી રજુઆત કરી હોત તો એમની સાથે રાજપીપળા પાલિકામાં જઈ રજુઆત કરવામાં મને કોઈ જ વાંધો ન હતો.પણ એમણે મને બદનામ કરવા જ ગમે તેમ વર્તન કર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકારણમાં આવ્યા હોય તો ચૂંટાયેલા સભ્યોએ પ્રજાના વિરોધનો કડવો ઘૂંટ તો પીવો જ પડે.કારણ કે બીજી વાર એ જ પ્રજા એમનું ભવિષ્ય નક્કી કરતી હોય છે.એક વાર પ્રજા સાથે કોઈ પણ પક્ષનો ચૂંટાયેલો સભ્ય અણછાજતુ વર્તન કરે તો એની મતદારો માં ઘણી ખરાબ અસર પડે છે.ત્યારે રાજપીપળા પાલિકા પ્રમુખ અને એમના જ વૉર્ડના રહીશો વચ્ચે બનેલી આ ઘટના આવનારી પાલિકા ચુંટણીમાં મતદાન સમયે શું અસર કરશે.તે જોવું. રહ્યું આ સમગ્ર ઘટના હાલ ટોક  ઓફ ધ ટાઉન બની છે.

(11:28 pm IST)