ગુજરાત
News of Wednesday, 27th January 2021

અમદાવાદમાં ટ્રાફિક બ્રિગ્રેડ, હોમગાર્ડ અને જીઆરડીના માણસોને ચેકીંગ કરવાની સત્તા પાછી ખેંચવા રજૂઆત

પીક અવર્સમાં ટ્રાફિક પી.આઇ., પી.એસ.આઇ. સહિતના સ્પેશિયલ સ્કવોડ ટ્રાફિક નિયમન કરે: અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.પી.ને લેખિતમાં રજૂઆત

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બનવાની દિશામાં દોટ મૂકી છે, ત્યારે અમદાવાદ શહેરની વિકટ બનતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરાહનીય પગલાં ભરાયાં છે. જેમ કે ટ્રાફિક જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરા, વાહનચાલકના ઘરે સીધાં જ ઇ-ચલણ, અમદાવાદ પોલીસની પહેલના કારણે ટ્રાફિક સમસ્યા અમૂક અંશે હળવી બની છે. આમ છતાં શહેરની વધતી જતી સીમાની સાથે વાહનની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તેવા સમયે ટ્રાફિક હળવો કરવાનું કામ મુશ્કેલ બની ગયું છે. માલ અને સર્વિસની ડીલિવરી કરતા વેપારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેથી અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્રારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિતમાં રજૂઆત કરી છે. તેમાં કેટલાંક સૂચનો પણ કર્યા છે

   અમદાવાદના નાના-મોટા વેપારીઓ- ટ્રેડર્સના પ્રતિનિધિ તરીકે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઘણાં કિસ્સાંમાં એવું જોવા મળ્યું છે કે, જંકશન પર ઉપસ્થિત ટ્રાફિક પોલીસ વાહનોના ચેકીંગમાં વ્યસ્ત હોવાથી ટ્રાફિકના નિયમોનું પાલન થાય છે કે નહીં તેના પર તેઓ પુરતું ધ્યાન આપી શકતા નથી. સુરત શહેરની જેમ અમદાવાદમાં પણ ટ્રાફિક બ્રિગ્રેડ, હોમગાર્ડ તથા જીઆરડીના માણસો પાસેથી વાહનોને રોકવાની તથા ચેક કરવાની સત્તા પાછી ખેંચવાનો નિર્ણય કરવો જોઇએ. તેઓ સંપૂર્ણ ધ્યાન ટ્રાફિકનું નિયમન કરવા પર આપશે તો ટ્રાફિકની સમસ્યા હળવી બનાવી શકાશે

   તેમણે વધુમાં જણાવ્યું છે કે, ટ્રાફિક બાબતે ચેકીંગ કરવાની સત્તા ફક્ત પી.એસ.આઇ. અથવા સ્પેશિયલ સ્કવોર્ડના માણસોને જ આપવામાં આવે. ટ્રાફિકના પીક અવર્સ એટલે કે સવારે 10થી 12 અને સાંજે 5થી 7 દરમિયાન શહેરના સૌથી અગત્યના વિસ્તારો તથા ટ્રાફિક જંકશન પર ટ્રાફિક પી.આઇ. તથા પી.એસ.આઇ.એ હાજર રહે તો તેનાથી આ અગત્યના કલાકો દરમિયાન ટ્રાફિકનું નિયમન કરવામાં સરળતા રહેશે. જો ટ્રાફિકનું યોગ્ય નિયમન થશે તો અમને વિશ્વાસ છે કે, વાહનચાલકો સામે કરાતી દંડનીય કાર્યવાહી પણ ઘટાડો થશે. આથી હાલ જે વિશાળ સંખ્યામાં પોલીસ કર્મીઓ વાહનોના ચેકીંગમાં રોકાયેલા રહે છે તેમને ટ્રાફિકના નિયમનની કામગીરીમાં રોકવામાં આવે તો શહેરનો ટ્રાફિક વધુ શિસ્તબધ્ધ બનાવી શકાશે

   પ્રમુખ જ્યેન્દ્ર તન્નાએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરને ખરેખર સ્માર્ટ સીટી બનાવવું હશે, વેપાર-ધંધા રોજગાર વધારવા હશે તો ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવી પડશે. સુરત શહેરે આ દિશામાં સરાહનીય પગલાં ભર્યા છે. આશા છે કે આવા જ પગલાં અમદાવાદમાં પણ ભરાય તો ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હળવી બનાવી શકાશે. વાહનચાલકો અને શહેરના વિકાસના હિતમાં આ દિશામાં પગલાં ભરવા રજૂઆત કરી છે

(10:21 pm IST)