ગુજરાત
News of Wednesday, 27th January 2021

ઠાસરા તાલુકાના જેસાપુરા ગામે લોનનો હપ્તો લેવા ગયેલ ખાનગી બેંકના કર્મચારી પર સ્થાનિક લોકોનો જીવલેણ હુમલો

ઠાસરા: તાલુુકાના જેસાપુરા ગામે લોનનો હપ્તો વસુલ કરવા ગયેલા ખાનગી બેંકના કર્મચારી પર સ્થાનિકો દ્વારા હુમલો કરી દેતાં બે વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. અંગે ડાકોર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ડાકોરની એચ.ડી.એફ.સી બેંકમાં અજયભાઇ મનસુખભાઇ મુલીયા રીલેસનસીપ મેનેજર તરીકે નોકરી કરે છે. તેેઓની બેંકના માઇક્રો ફાયનાન્સ હેઠળ ગામડાઓમાં સખી મંંડળોે અને બહેનોને રૂ.૩૦ હજાર કે તેથી ઓછી લોન આપવામાં આવતી હોય છે. જે હેઠળ જેસાપુરા ગામે રહેતા વિમળાબેન કિરીટસિહ ચાવડાએ રૂ.૨૫ હજારની લોન લીધી હતી. જેથી તેઓની લોનનો હપ્તો લેવા માટે અજયભાઇ, નિશીલકુમાર ધીરજભાઇ ખ્રિસ્તી (રહે. જાખેડ તા.ઠાસરા) તેમજ તેમના કેટલાક મિત્રો ગયા હતા. પરંતુ જેવા અજયભાઇ વિમળાબેનના ઘરે પહોચ્યા કે તુરંત વિમળાબેનનો દીકરો દિલીપભાઇ ચાવડા તેઓના પર તુટી પડ્યો હતો. અને ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે તમારે લોનનો કોઇ હપ્તો લેવા આવવુ નહી. જેથી ફરિયાદીએ તેઓને લોનના હપ્તા આપવા માટે સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ દિલીપભાઇ સમજવાને બદલે તેઓને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા, તેમજ વિમળાબેને પણ અજયભાઇને બોચીના ભાગે માર માર્યો હતો. જેથી તેઓની સાથે આવેલ અન્ય માણસોએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. જે બાદ તેઓ બાઇક પર બેસી ત્યાથી નિકળવા જતા હતા. દરમ્યાન દિલીપભાઇએ હાથમાં ઇટનો મોટો ટુકડો લઇ ઘા કર્યો હતો. જે અજયભાઇ નીચે નમી જતા તેમનુ બાઇક ચલાવી રહેલ નિશીલભાઇને માથામાં વાગ્યો હતો. અને તેમના માથામાંથી લોહી નિકળવાનું શરૂ થઇગયુ હતુ. જેથી અજયભાઇએ ડાકોર પોલીસ મથકે આવી ફરિયાદ આપી હતી.

(5:33 pm IST)