ગુજરાત
News of Wednesday, 27th January 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફોન પર તેલના ડબ્બાનો ઓર્ડર આપી વિશ્વાસઘાત કરનાર ત્રણ પૈકી એક વેપારીને પોલીસે ઝડપી પાડયો

સુરત:પાંડેસરા અને ડબગરવાડના તેલના વેપારીને ફોન પર ઓર્ડર આપી રોડ પર તેલના ડબ્બાની ડિલીવરી લઇ પેમેન્ટ માટે ટેમ્પો ચાલકને પાછળ આવવાનું કહી બાઇક પુર ઝડપે હંકારી ભાગી જઇ વિશ્વાસઘાત કરનાર ત્રણ જણાની ટોળકી પૈકી એકને વેપારીએ પોલીસની મદદથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પાંડેસરા ખાતે વારાહી સેલ્સ નામે અનાજ-કરિયાણાનો હોલસેલમાં વેપાર કરતા અતુલ રમેશ પટેલ (.. 38 રહે. 2, શીખીનવેલી કોમ્પ્લેક્ષ, અલથાણ કેનાલ રોડ) પર પખવાડિયા અગાઉ રાજુ દેસાઇની નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો. પોતે દલાલ હોવાનું કહી રાજુ તિરૂપતી તેલના 18, ફોર્ચ્યુન કપાસીય તેલના 12 ડબ્બાનો ઓર્ડર આપી રોકડેથી પેમેન્ટ ચુકવવાનું કહી ડબ્બા ઉધના-મગદલ્લા રોડ નવજીવન સર્કલ ખાતે મોકલાવવા કહ્યું હતું. જેથી અતુલે ટેમ્પો ચાલક ગોપી રબારીને તેલના ડબ્બા લઇ નવજીવન સર્કલ મોકલાવ્યો હતો. જયાં રાજુએ તેલના કુલ 30 ડબ્બા કિંમત રૂા. 58,860 પૈકી 25 ડબ્બા પોતાના ટેમ્પો નં. જીજે-5 સીટી-4428માં મુકાવ્યા હતા અને બાકીના 5 ડબ્બા બીજી દુકાને ઉતારવાના છે એમ કહી ગોપીને પોતાની નંબર વગરની બાઇક પાછળ આવવા કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ રાજુ બાઇક પુર ઝડપે હંકારી ભાગી જતા ગોપીએ તુરંત વેપારી અતુલને જાણ કરી હતી

દરમિયાનમાં બે દિવસ અગાઉ ટેમ્પો ચાલક ગોપીએ રાજુ દેસાઇને નવજીવન સર્કલ પાસે નજરે પડતા શેઠ અતુલ અને પોલીસની મદદથી ઝડપી પાડયો હતો. પોલીસે રાજુની પુછપરછ કરતા તેણે પોતાનું નામ તેજસ ચેતન ઝવેરી (.. 28 રહે. જે.બી. ઓઇલની ઉપર, ખટોદરા-બમરોલી રોડ) હોવાનું અને પોતના મિત્ર ચિરાગ અને રાજુ સાથે મળી છેતરપીંડી કર્યાની કબૂલાત કરી હતી

(5:33 pm IST)