ગુજરાત
News of Wednesday, 27th January 2021

વડોદરાના સમા વિસ્તારમાં મંદિરમાં લગ્ન વિધિ દરમ્યાન અજાણ્યા તસ્કરો 60 હજારની કિંમતની સોનાની ચેઇન તફડાવી છૂમંતર......

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિરમાં લગ્ન વિધિ દરમિયાન અજાણ્યો તસ્કર રૂપિયા 60,000ની કિંમત ધરાવતી સોનાની ચેન લઇ રફુચક્કર થઈ ગયો હોવાનો બનાવ સમાં પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સ્વામી રેસિડેન્સીમાં રહેતા સતિષભાઈ નાયર રેલવેમાં સબ કોન્ટ્રાકટર છે. 24મી જાન્યુઆરીના રોજ તેમનું લગ્ન ઐયપ્પા ગ્રાઉન્ડ ખાતેના અયપ્પા મંદિરમાં રાખવામાં આવ્યું હતું. સમાજના રીતરિવાજ મુજબ કન્યાને પહેરાવવા માટે સોનાની ચેન અને પેન્ડલ લાવ્યા હતા. જે સોનાની ચેન (24 ગ્રામ કિંમત રૂ. 60,000)અને પેન્ડલ ડબ્બામાં મૂકી લગ્નની વિધિ કરનાર મહારાજને આપ્યું હતું. જે ડબ્બામાંથી મહારાજે પેન્ડલ કન્યાને દોરા વડે ગળામાં પહેરાવ્યો હતું અને ચેન ડબ્બામાં હતી

ત્યારબાદ લગ્ન વિધિ પૂરી થયા બાદ તમામ લોકો ઓપી રોડ ખાતે રિસેપ્શનમાં ગયા હતા. જ્યાં સોનાની ચેન ભૂલી ગયા હોવાનું યાદ આવતા તેઓએ મહારાજનો સંપર્ક સાધ્યો હતો. દરમ્યાન મહારાજે જણાવ્યું હતું કે, ખાલી બોક્સ પડ્યું છે સોનાની ચેન નથી. જેથી તેઓએ સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(5:32 pm IST)