વડોદરાના આજવા રોડ નજીક પુત્રની સામે નજીવી બાબતે પતિએ પત્નીને ઢોરમાર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
વડોદરા:શહેરના આજવા રોડ પર ઘરમાં સંતાન હાજર હોય પતિના આલિંગનનો પ્રતિકાર કરતા પત્નીને પતિએ લોખંડનું ડમબેલ માથામાં ફટકાર્યું હતું. જેમાં માથાના પાછળના ભાગે ફેક્ચર થઈ જતા પત્ની સ્થળ પર જ ઢળી પડી હતી. હાલ યુવતી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાપોદ પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ પર રહેતી 31 વર્ષીય મહિલાના લગ્ન ધર્મેન્દ્રભાઈ પરમાર (રહે - લુહાર ફળિયું, આજવા રોડ, વડોદરા) સાથે થયા હતા અને સંતાનમાં તેમને 17 વર્ષનો પુત્ર અને 11 વર્ષની પુત્રી છે.
22મી જાન્યુઆરીના રોજ મહિલા રસોડામાં ચા બનાવી રહી હતી, તે સમયે પતિ ધર્મેન્દ્ર રસોડામાં આવ્યો હતો અને તેને પાછળથી પકડતા પત્નીએ વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે બાળકો ઘરમાં છે. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને પલંગ પર ફેંકી લોખંડનું ડમબેલ (કસરતનું સાધન) માથામાં ફટકારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલામાં પત્નીને માથાના ભાગે ફ્રેક્ચર થતાં બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાઇ હતી.