ગુજરાત
News of Wednesday, 27th January 2021

અમદાવાદમાં મેડુસીન કંપનીના કર્મચારીઍ શેરબજારમાં ઉંચુ વળતર આપવાની લાલચ આપીને ૩૫ વ્યક્તિઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી

અમદાવાદ: મકરબા ખાતે કોર્પોરેટ રોડ પાસે આવેલી મેડુસીન કંપનીનો કર્મચારીએ જ શેર બજારમાં ઊંચુ વળતર આપવાની લાલચ આપી 35 જેટલા સાથી કર્મચારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. સરખેજ પોલીસે આરોપી અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપીએ કંપનીના કર્મચારીઓને લાલચ આપી પોતે મિત્રની દુકાને ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી મિત્ર રાહુલને તેનું ઉપરનું કમિશન આપી બાકીની રકમ શેરબજાર અને ફોરેક્ષ બજારમાં રોકાણ કરી સારો નફો કમાતો હોવાનું જણાવ્યું હતું. આ રીતે કંપનીના સાથી કર્મચારીઓના ક્રેડિટ કાર્ડ મિત્રની દુકાને ઘસી રોકડ રકમ લઈ લાખોની ઠગાઈ આચરી હતી.

મકરબાની મેડુસીન કંપનીમાં ફરજ બજાવતો અને અમરાઈવાડીના પ્રગતિનગર ખાતે રહેતા પ્રજ્ઞેશ પ્રવીણ પરમાર (ઉં,34)એ સરખેજ પોલીસ સ્ટેશનમાં આરોપી ઘનશ્યામ ચંદ્રકાન્ત વાળા (રહે, સોનલ પાર્ક સોસાયટી, ઇસનપુર મૂળ રહે, ગઢડા (સ્વામી) બોટાદ) અને રાહુલ શર્મા (રહે. રુદ્રાગ્રીન એપાર્ટમેન્ટ,નારોલ) વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રજ્ઞેશ સાથે ઘનશ્યામ નોકરી કરતો હતો. આ ઘનશ્યામ વાળાએ પ્રજ્ઞેશને જણાવ્યું હતું કે, તે તેનું અને તેના મિત્રોનું ક્રેડિટ કાર્ડ નારોલ ખાતે કરિયાણાની દુકાન ચલાવતા મિત્ર રાહુલ શર્માના ત્યાં ઘસે છે. જે કાર્ડ પેટે મળતી રોકડ રકમમાંથી રાહુલ શર્માનું કમિશન આપી બાકીની રકમ તે શેર બજાર અને ફોરેક્ષ બજારમાં રોકી તેમાંથી સારો નફો કમાય છે. તમે પણ આમ કરો તો સારો એવો નફો કમાવી આપીશ.

નફો કમાવવા માટે પ્રજ્ઞેશે ઘનશ્યામ વાળાને ડિસેમ્બર-2020માં બે બેન્કના પોતાના ક્રેડિટ કાર્ડ આપ્યા હતાં. આ કાર્ડ ઘનશ્યામ વાળાએ રાહુલ શર્માની દુકાને સ્વાઈપ કરી રૂ. 2.25 લાખની રકમ લીધી હતી. જ્યારે પ્રજ્ઞેશને સામે રૂ.1.50 લાખનો ચેક આપી બાકીની રકમ રોકડ આપવાની ખાતરી આપી હતી.

આરોપી ઘનશ્યામે સમય જતાં પ્રજ્ઞેશને કોઈ રોકડ આપી ન હતી. આ ઉપરાંત ચેક અંગે તપાસ કરતા તેના ખાતામાં બેલેન્સ પણ ન હતું. આ બનાવને પગલે પ્રજ્ઞેશે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ કરી હતી.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપીએ મેડુસીન સોલ્યુશન કંપનીના અન્ય કર્મચારી ધ્રુવ જગદીશ પરમાર, રાહુલ પ્રકાશ જોષી, પારસ મહેશ પટેલ અને રવિન્દ્ર ચૈલ્યાભાઈ નાડર સહિત 35 જેટલા કર્મચારીઓ સાથે લાખોની ઠગાઈ આચરી હતી.

(5:03 pm IST)