ગુજરાત
News of Wednesday, 27th January 2021

અમદાવાદમાં યુવતિને ઘરમાં ખેîચી લઇને યુવકે છેડછાડ કરીઃ યુવતિ લાત મારીને બચીને બહાર આવી ગઇ

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં સોમવારે રાત્રે ઘર પાસેથી પસાર થતી યુવતીનો હાથ પકડી આરોપીએ ઘરમાં ખેંચી લઈ બાહુપાશમાં જકડી છેડછાડ શરૂ કરી હતી. યુવતીએ આરોપીને પગે ઇજા થઇ હતી તે ભાગે લાત મારી પ્રતિકાર કર્યો અને ઘરમાંથી દોડીને બહાર આવી ગઈ હતી. ગંભીર ઘટના અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોમતીપુર વિસ્તારમાં લગ્નનું મુહૂર્ત કઢાવવા સોમવારે રાત્રે શ્વેતા તેના માતા-પિતા સાથે દાદાના ઘરે જવા નીકળી હતી. આ દરમિયાન દાદાના ઘર નજીક સમાજના લોકો મળી જતા યુવતીના પિતા તેમની સાથે વાત કરતા હતા. જ્યારે માતા આગળ નીકળી ગઈ હતી અને શ્વેતા મમરાનું પેકેટ લઈ એકલી ચાલતી દાદાના ઘર તરફ જતી હતી.

આ સમયે અમિત નામના યુવકે શ્વેતાનો હાથ પકડીને તેને ઘરમાં ખેંચી હતી અને બાહુપાશમાં જકડી લઈને શારીરિક છેડછાડ શરૂ કરી હતી.

આથી શ્વેતાએ પોતાના બચાવ માટે અમિતને એક પગે ઇજાની જગ્યાએ પાટો બાંધ્યો હતો, ત્યાં લાત મારી છૂટકારો કરાવી બહાર દોડી આવી હતી. બુમાબુમ થતા આરોપી અમિત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે યુવતીએ માતા-પિતાને વાત કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(5:03 pm IST)