ગુજરાત
News of Wednesday, 27th January 2021

ઝવેરચંદ મેઘાણી જન્મજયંતીની રાજ્યકક્ષાની ઉજવણીથી દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર - સિંચન થશે

વિજયભાઇ રૂપાણીને અભિનંદન અર્પતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી મેઘાણી

રાજકોટ તા. ૨૭ : મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજયકક્ષાની ભવ્ય ઉજવણી થશે. આથી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ સવિશેષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. જાણે સહુનું મન મોર બનીને થનગાટ કરી રહ્યું છે.

ગુજરાતના પ્રજા-વત્સલ, સતત કર્મશીલ, સંવેદનશીલ, સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)એ હૃદયથી આભાર પ્રગટ કર્યો છે. આ આયોજન માટે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી બનેલી ઉચ્ચ-સ્તરીય સમિતિના અધ્યક્ષ શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉપાધ્યક્ષ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજય મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને મહિલા, બાળ કલ્યાણના રાજય મંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે તથા સમિતિમાં સામેલ પદાધિકારીઓ-અધિકારીઓનો પણ આભાર વ્યકત કર્યો છે.    

આ પ્રેરક આયોજન થકી નવી પેઢી ઝવેરચંદ મેઘાણીના જીવન-કાર્ય-સાહિત્યથી પરિચિત-પ્રેરિત થશે તેમજ દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થશે તેવી શ્રધ્ધા છે.

(11:59 am IST)