ગુજરાત
News of Wednesday, 27th January 2021

કેશુભાઈનું પદ્મભૂષણ સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપઃ ભરત પટેલ

જિંદગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવુ એ સમયની વાત છે, મૃત્યુ પછી સૌના હૃદયમાં જીવતા રહેવુ એ જિંદગીના સતકર્મોની વાત છે

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાત ભાજપના પાયાના પથ્થર ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી કેશુભાઈ પટેલ માટે ભારત સરકારે પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરતા તેમના પરિવાર વતી તેમના સુપુત્ર યુવા ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભરત પટેલે હૃદયપૂર્વક આવકારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, સરકાર તથા સૌ શુભેચ્છકો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે. શ્રી કેશુભાઈએ ગઈ તા. ૨૯ ઓકટોબરે ૯૨ વર્ષની વયે પરલોકના પંથે પ્રયાણ કર્યુ છે.

શ્રી ભરત પટેલએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે શ્રી કેશુભાઈને પદ્મભૂષણ જેવુ ગૌરવવંતુ સન્માન મળે તેનો અમારા પરિવારને આનંદ હોય તે સ્વભાવિક છે. આ સન્માન માત્ર અમારા પરિવાર કે પાટીદાર સમાજ માટે નહિ પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.

સ્વર્ગસ્થ બાપાના દાયકાઓના જાજરમાન જાહેર જીવનમાં સમગ્ર રાજ્યની પ્રજાએ અસીમ સ્નેહ આપ્યો હતો. પ્રચંડ જનશકિતએ તેમને જનઆશિર્વાદ આપેલા. પાર્ટીએ તેમને આપેલુ માન અ્ને જનતાએ આવેલુ બહુમાન તેમની મોટી મૂડી હતી. તેમણે પોતાના સત્તાકાળમાં રોપેલા રાજ્યના વિકાસના આંબા આજે સફળતારૂપી મીઠા ફળ આપી રહ્યા છે. સેંકડો ચાહકો માટે તેઓ સ્વર્ગસ્થ નહિ હૃદયસ્થ છે. તેમના મરણોત્તર સન્માનની ઘોષણાને અંતરના ઉમળકાથી આવકારી આદરણીય બાપાને શ્રધ્ધાસુમન અર્પણ કરી છીએ. (ભરત પટેલનો મો. ૯૮૨૫૦ ૭૯૨૭૦-અમદાવાદ)

(10:25 am IST)