ગુજરાત
News of Saturday, 26th December 2020

દુષ્કર્મ પીડિત સગીરાની સ્વ-જોખમે ગર્ભપાત કરાવવાની માંગ ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી

પીડીતાએ તેની માતા મારફતે કોર્ટમાં સ્વ-જોખમે ગર્ભપાત કરાવવાની માંગ કરતા ગુજરાત હાઈકોર્ટે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાની મંજૂરી આપી

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતની મંજૂરી આપી છે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મેડિકલ એક્સપર્ટની ટીમે તેની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગર્ભપાત ન કરાવવાની સલાહ આપી હતી. જો કે પીડીતાએ તેની માતા મારફતે કોર્ટમાં સ્વ-જોખમે ગર્ભપાત કરાવવાની માંગ કરતા ગુજરાત હાઈકોર્ટે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાની મંજૂરી આપી હતી.

ગુજરાત હાઈકોર્ટે સ્વ-જોખમે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતા નોંધ્યું હતું કે મેડિકલ એક્સપર્ટ ડોક્ટરોની ટીમે પીડિતા અને ભ્રુણના સ્વાસ્થને જોખમ હોવાથી ગર્ભપાતની સલાહ આપી નહિ. પીડિતાને 28 થી 30 સપ્તાહનો ગર્ભ છે. જો કે અરજદાર માતાએ પુત્રી સાથે ચર્ચા કર્યા બાદ સ્વ-જોખમે ગર્ભપાત કરવાની માંગ કરતા કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પીડિતાનો ભ્રુણ મગજ સબંધિત બીમારી સાથે જન્મે તેવું પણ મેડિકલ રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું. પીડિતા સગીર હોવાથી તેના વતી માતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

 

ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર માતાએ સગીરાના ગર્ભપાત માટેનો ખર્ચ ઉપાડી શકશે નહિ તેવી રજૂઆત કરતા કોર્ટે સરકારી હોસ્પિટલના ડીનને વહેલી તકે મફતમાં ગર્ભપાતનો કરવાનો હુકમ કર્યો હતો.

અરજદારના એડવોકેટ તેમના ક્લાયન્ટના નિર્દેશ પ્રમાણે રજુઆત કરી હતી કે દુષ્કર્મ પીડિતા સગીર વયની છે અને ગર્ભમાં રહેલો બાળક પણ મગજ સબંધિત બીમારી સાથે જન્મી શકે છે. જેથી પીડિતાને સ્વ-જોખમે પણ ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. અરજદારના વકીલે આવા જ એક કિસ્સામાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પણ કોર્ટમાં સમક્ષ રજુ કર્યો હતો.

આ કેસમાં મેડિકલ એક્સપર્ટ ડોક્ટરોની ટીમે રિપોર્ટ આપ્યો હતો કે સગીરાને 28 થી 30 સપ્તાહનો ગર્ભ છે અને MTP એકટ પ્રમાણે તેને એડવાન્સ પ્રેગ્નન્સી કહેવાય અને ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહિ. કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે સોનાગ્રાફી રિપોર્ટ પ્રમાણે ભ્રુણ મગજ સબંધિત બીમારી સાથે જન્મી શકે છે. ભ્રુણનું અંદાજીત વજન પણ 1239 ગ્રામ જેટલું હતું. સગીર પીડિતાની માતા મજૂરી કામ કરે છે અને તેના પિતા હાલમાં જ મૃત્યુ પામ્યા છે

(7:22 pm IST)