ગુજરાત
News of Saturday, 26th December 2020

ગુજરાતમાં ઔવેસીની એન્ટ્રી : સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં BTP અને AIMIM સાથે મળીને લડશે

સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM નું ગઠબંધન: છોટુભાઈ વસાવા

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ બિટીપીના સૌરક્ષક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસાસુદ્દીન ઓવેશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે

  રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બિટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ બિટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. બિટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે.

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસાસુદ્દીન ઓવેશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે.

 છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો

(6:14 pm IST)