ગુજરાત
News of Tuesday, 26th December 2017

નવી કેબિનેટમાં ૨૦ પૈકી ૧૮ પ્રધાનો કરોડપતિ છે

સૌરભ પટેલની સંપત્તિ સૌથી વધુ ૧૨૩.૭૮ કરોડઃ પરષોત્તમ સોલંકીની સંપત્તિ ૪૫ કરોડ : બચુભાઈની સંપત્તિ સૌથી ઓછી ૩૫.૪૫ લાખ : રિપોર્ટમાં દાવો

ગાંધીનગર,તા. ૨૬, ગુજરાતમાં નવી કેબિનેટ સત્તારુઢ થઇ રહી છે. આજે ૨૦ પ્રધાનોએ શપથ લીધા હતા જે પૈકી ૧૮ પ્રધાનો કરોડપતિ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. એડીઆર દ્વારા ગુજરાત રાજ્ય વિધાનસભા માટે એફિડેવિટમાં ચકાસણી કરવામાં આવ્યા બાદ આ અંગેની વિગતો સપાટી ઉપર આવી છે. સૌરભ યશવંતભાઈ દલાલ પટેલની સંપત્તિ સૌથી વધુ નોંધાઈ છે. સૌરભ પટેલ બોટાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમની સંપત્તિ ૧૨૩.૭૮ કરોડ નોંધાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૨૦ પ્રધાનોની એફિડેવિટમાં ચકાસણી કરવામાં આવી છે. કેટલાક પ્રધાનોની સામે કેસો પણ રહેલા છે. નવી બનેલી ગુજરાત કેબિનેટમાં એક માત્ર મહિલા પ્રધાન છે જે રિભાવરીબેન દવે છે. તેઓ ત્રણ વખતના ધારાસભ્ય છે. એસોશિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એન્ડ ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦ પ્રધાનો પૈકી ૧૮ અથવા તો ૯૦ ટકા પ્રધાન કરોડપતિ છે. પ્રધાનોની સરેરાશ સંપત્તિ ૧૩.૩૪ કરોડ છે. સૌરભ પટેલ બાદ અન્ય બે પ્રધાનોની પણ વધુ સંપત્તિ છે જેમાં પરષોત્તમભાઈ સોલંકી અને જયેશ રાદડિયાનો સમાવેશ થાય છે. આ બંનેની સંપત્તિ ક્રમશઃ ૪૫ કરોડ અને ૨૮ કરોડ છે. આવી જ રીતે ખાબડ બચુભાઈ જે દેવગઢબારિયામાંથી ઉમેદવાર હતા તેમની સંપત્તિ સૌથી ઓછી ૩૫.૪૫ લાખ છે. કુલ નવ પ્રધાનોએ ધોરણ ૫ અને ધોરણ ૧૨ પાસ વચ્ચે તેમની શૈક્ષણિક લાયકાતની જાહેરાત કરી છે. ૧૦ ગ્રેજ્યુએટ અથવા તો ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. એક પ્રધાન ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ છે. ત્રણ પ્રધાનોએ તેમની વય ૩૧થી ૫૦ દર્શાવી છે જ્યારે ૧૭ પ્રધાનોએ તેમની વય ૫૧થી ૭૦ વર્ષ ગણાવી છે.

(9:40 pm IST)