ગુજરાત
News of Tuesday, 26th December 2017

ગુજરાત : લઘુત્તમ તાપમાનમાં ફેરફાર, અમદાવાદમાં ૧૨.૮

નલિયામાં પારો હજુ પણ ૮.૪ ડિગ્રી રહ્યો : ગુજરાતના જુદા જુદા ભાગોમાં હજુ પણ તીવ્ર ઠંડીનું મોજુ

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં ઉતારચઢાવની સ્થિતિ રહી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં ગઇકાલની સરખામણીમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોમવારની સરખામણીમાં આંશિકરીતે વધીને ૧૨.૮ ડિગ્રી થયું હતું. રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ લઘુત્તમ તાપમાન ૧૧થી નીચે રહ્યું છે જેમાં નલિયામાં ૮.૪ અને અમરેલીમાં ૧૦.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  રાજ્યમાં એકાએક ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. હાલમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં તાપમાન નીચે પહોંચી ગયુ છે. આજે સતત બીજા દિવસે રાજ્યમાં નલિયા સૌથી વધારે ઠંડુ રહ્યુ હતુ. અહીં લઘુતમ તાપમાન ૮.૪ ડિગ્રી રહ્યુ હતુ. રાજ્યના જે ભાગોમાં વધારે ઠંડીનો અનુભવ આજે થયો હતો તેમાં ડીસા, ગાંધીનગર, વડોદરા, વલસાડ, મહુવા, નલિયાનો સમાવેશ થાય છે. જોકે ક્રિસમસના પર્વ ઉપર જેટલી ઠંડીનો અનુભવ સામાન્ય રીતે થાય છે તેટલો અનુભવ થયો નથી.  વર્તમાન સિઝનમાં નિષ્ણાત તબીબો દ્વારા ખાસ કરીને બાળકોને સાવધાનરહેવાનીસલાહ આપવામાં આવી રહી છે.

ઈન્ફેકશન અને પેટના દુખાવાની ફરિયાદો જોવા મળી રહી છે. ફુડ પોઈઝનીંગના  કેસ પણ આ સિઝનમાં વારંવાર જોવા મળે છે. અમદાવાદ શહેરમાં પણ લોકોએ સવારમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.  ઉત્તર ભારતમાં એક બાજુ તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા ઉપર માઠી અસર થઇ રહી છે ત્યારે હવે ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં ડિસેમ્બર -૨૦૧૬ કરતા પણ વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાવા પામ્યા છે જેમાં આ વર્ષે માત્ર ૨૩ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૪૭૩ કેસ નોંધાવા પામ્યા છે આ ઉપરાંત શહેરમાં જમાલપુર અને વેજલપુર વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં જ્યાં એક તરફ દેશના કાશ્મીર સહિતના ઉત્તર ભારતના પ્રદેશોમાં થઈ રહેલી બરફ વર્ષાના પરિણામે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા પામ્યો છે.

(8:42 pm IST)