લીંબડીયા કેનાલ નજીક વૃદ્ધાને ફોસલાવી રિક્ષામાં બેસાડી દાગીના ઝડપનાર બે ઈસમ પોલીસના સકંજામાં
ગાંધીનગર:શહેર નજીક લીંબડીયા કેનાલ પાસે ચાર દિવસ અગાઉ વૃધ્ધાને રીક્ષામાં બેસાડીને પ૦ની નોટનું બંડલ આપવાની લાલચ આપી આ વૃધ્ધાના સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ર૪ હજાર ઉપરાંતની મત્તા લઈને રીક્ષામાં સવાર શખ્સો પલાયન થઈ ગયા હતા. આ ઘટના સંદર્ભે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેના પગલે એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિતે સ્ટાફના માણસોને સક્રિય કરી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી. જેને પગલે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો. કીરીટકુમાર અને પોકો જીગ્નેશકુમારને બાતમી મળી હતી કે આ ગુનો આચરનાર મુકેશ કિશનભાઈ મારવાડી રહે.સરદારનગર તથા એક કિશોર રીક્ષા સાથે સે-૩૦ સર્કલથી ચિલોડા તરફ જઈ રહયા છે. જે બાતમીના આધારે તેમને પકડી લીધા હતા અને તેમની પાસેથી વૃધ્ધા પાસેથી લઈ લેવાયેલા સોનાના દાગીનાનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. પોલીસે આ બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.