ગુજરાત
News of Tuesday, 26th December 2017

વ્યારા નજીક પુરપાટ ઝડપે જતી કારે ત્રણ વાહનને હડફેટે લેતા એક યુવકનું કરૂણ મોત

વ્યારા:વ્યારાના ડોલારા ગામે વ્યારા ભેંસકાત્રી રોડ પર ગતરોજ સાંજે પૂરઝડપે આવતી હુન્ડાઇ ગેટ્સ કારે એક મોપેડ તથા બે બાઇકને અડફટે લેતાં સેન્ટીંગ કામ કરનાર કપડવણ ગામના યુવકનું મોત થયું હતું.

પોલીસ પાસે મળેલી માહિતી મુજબ વ્યારા તાલુકાના કપડવાણ ગામે ડુંગરી ફળિયામાં રહેતા સંદિપભાઇ ઉર્ફે સંજય રતિલાલભાઇ ગામીત તેમની પત્ની ટીનુબેન તથા સેન્ટીંગનું કામ કરતો નાનો ભાઇ રણજીત રતિલાલ ગામીત (ઉ.વ. ૧૯) ગતરોજ સાંજે ડોલારા હાટબજારમાં ખરીદી કરી ત્રણે જણા હિરો ડયુટ મોપેડ (નં. જ ીજે-૨૬-પી- ૧૬૨૧) પર વ્યારા-ભેંસકાત્રી રોડ પરથી કપડવાણ ગામે પરત થઇ રહ્યા હતાં.

દરમ્યાન સાંજે ૬-૩૦ કલાકે વ્યારાના ડોલારા ગામની સીમમાં સામેથી પૂરઝડપે આવતી હુન્ડાઇ ગેટ્સ કાર (નં. જીજે-૫-સીએફ- ૪૪૩૪)ના ચાલકે રોંગસાઇટ પર આવી ડયુટ મોપેડ સહિત બે હિરોહોન્ડા સ્પ્લેન્ડર બાઇક (નં. જીજે-૨૬-બી-૯૮૬૧, જીજે-૨૬-ઇ- ૧૨૪૮) મળી ત્રણ વાહનોને અડફટે લીધા હતા. અને આગળ જઇ પુલીયા પાસે પલ્ટી ગઇ હતી. કારમાં સવાર ચાલક સહિત બે જણાને ઇજા થઇ હતી. ડયુટ પર સવાર રણજીત ગામીતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ભાઇ સંદીપ તથા ભાભી  ટીનુબેનને પણ શરીરે ગંભીર ઇજા થઇ હતી.

બે સ્પ્લેન્ડર પર સવાર ત્રણ શખ્સો મળી કુલ ૮ જણાને ઇજા થઇ હતી. મૃતક રણજીત ગામીત ખ્રિસ્તી ધર્મ પાળતો હોય નાતાલ પૂર્વે તેના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. ગેટ્સ કાર ચાલક સામે સંદીપ રતિલાલભાઇ ગામીતે અકસ્માત  મોતની વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

(7:06 pm IST)