ગુજરાત
News of Tuesday, 26th December 2017

મહેમદાવાદ નજીક હલધરવાસમાં બાજુમાં ઉભા રહેવાનું કહેતા મામલો બિચક્યો: બાઈક ચાલકને માથામાં લાકડી મારી જીવલેણ ઇજા

મહેમદાવાદ:નજીકના હલધરવાસમાં રસ્તા વચ્ચે ઉભા રહેલા ઇસમને સાઇડમાં ઉભા રહેવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં બાઇકચાલકને માથામાં લાકડી મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હલધરવાસ ખ્રિસ્તી ફળિયામાં રહેતા અતુલભાઇ રમણભાઇ પંડયા ગત તા. ર૩ ડિસે.ના સાંજે મોટરસાયકલ લઇને ઘરે જતા હતા. દરમયાન પરેશ પરમાર અને તેનો મિત્ર રસ્તા વચ્ચે ઉભા હતા. આથી અતુલભાઇએ રસ્તા વચ્ચે કેમ ઉભા છો? કોઇ વાહન કેવી રીતે નીકળી શકે તેમ કહીને સાઇડમાં ઉભા રહેવા જણાવ્યું હતું.
આથી પરેશ ગીરીશભાઇ પરમારે ઉશ્કેરાઇને અતુલ પંડયાને માથામાં ઇંટ મારીને અને રોબીન પરમારે બરડામાં લાકડી ફટકારીને ઇજા પહોંચાડી હતી. દરમ્યાન અન્ય બે ઇસમો ઉપરાણું લઇને અતુલ પંડયાને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અતુલ પંડયાની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે પરેશ પરમાર, રોબીન પ્રવિણભાઇ, ગીરીશભાઇ આત્મારામ પરમાર અને વિજય અંબાલાલ પરમાર સામે ગૂનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:02 pm IST)