ગુજરાત
News of Friday, 26th November 2021

સાવધાન :અમદાવાદમાં ઓનલાઈન પેમેન્ટના નામે 20થી વધુ વેપારી સાથે ઠગાઈ: બે ગઠીયાની ધરપકડ

ગઠિયાઓ વેપારીને બેંકમાંથી ટેક્સ મેસેજ મોકલી માલસામાન લઈ ફરાર થઈ જતા

અમદાવાદ :દુકાનમાં ખરીદી કરવા જઈને પેટીએમ, ફોન પે અને ગૂગલ પે જેવી સાઈટ પર ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા અને ત્યાર બાદ વેપારીઓ સાથે ઠગાઈ કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બે ગઠિયાઓ વેપારીને બેંકમાંથી ટેક્સ મેસેજ મોકલી માલસામાન લઈ ફરાર થઈ જતા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ બન્ને ગઠિયાઓ વેપારીના નંબર પર બેંકમાંથી પૈસા જમા થયા હોવાના મેસેજ આવે તેવા ટેક્સટ મેસેજ વેપારીઓને કરતા હતા. જેથી વેપારી ખાતમાં પૈસા આવી ગયાનું માનીને તેમને માલ સામાન આપી દેતા હતા. આ બન્ને ગઠિયાઓ દરરોજ 10થી વધારે વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

શહેરના રાણીપ મેઘનાથ સોસાયટીમાં રહેતા મુકેશ ગોહિલએ દિલ્હી દરવાજા પાસે ગાયત્રી કિરાણા નામની દુકાન ધરાવે છે. તેમની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયાઓએ 6700 રુપિયાની કિંમતના તેલના ડબ્બા આપ્યા હતા અને આ બે ગઠિયાઓએ પેટીએમ મારફતે પેમેન્ટ કરતાં બેંકમાંથી આવે તેવો ટેક્સ્ટ મેસેજ આવતા પેમેન્ટ થઈ ગયાનું માનીને તેમણે તેલના ડબ્બા આપ્યા હતા.

જો કે, બાદમાં તપાસ કરતા પૈસા જમા નહીં થયું હોવાની જાણ થઈ હતી. જેથી મુકેશભાઈએ આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપી આરોપી અનવર શેખ અને રિઝવાન ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીઓની વધુ પુછપરછ કરતા તેઓએ શહેરના 20થી વધારે વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું.

(12:50 am IST)