ગુજરાત
News of Friday, 26th November 2021

રાજ્યમાં કાનુની માપવિજ્ઞાન તંત્રની તવાઈ: 600થી વધુ એકમો સામે કાર્યવાહી: 8 લાખથી વધુ દંડ વસુલ્યો

દુકાનદારો બોક્સ સાથે વજન કરીને ગ્રાહકને આપતા ઓછી મીઠાઇ: ગ્રાહકો સાથે એક યા બીજી રીતે છેતરપીંડી થતી હોવાનો ઘટસ્ફોટ

ગાંધીનગર: કાનુની માપવિજ્ઞાન તંત્ર દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર રાજ્યમાં રીતસરની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ગ્રાહકો સાથે એક યા બીજી રીતે છેતરપીંડી થતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 600થી વધુ એકમોની સામે કાર્યવાહી કરીને 8 લાખથી વધુ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

દિવાળી જેવા તહેવારો દરમિયાન ગ્રાહકો મીઠાઇ, ફરસાણ, ગિફટ આટિકલ્સ, ફટાકડાં વગેરેની મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે. પેકેજ કોમોડીટિઝ રુલ્સ- 2011 અન્વયે ગ્રાહકોને માટે વેચાણ અર્થે મુકવામાં આવતા ફરસાણ ડ્રાયફુટ, મીઠાઇ, ગિફટ આર્ટીકલ્સ અને ફટાકડા વગેરેના પેકેટ ઉપર MRP, નેટ વજન, ઉત્પાદકનું નામ સરનાંમુ, પેકિંગ ડેટ વગેરે નિદર્શનો ફરજીયાત દર્શાવવાના હોય છે.

ગ્રાહકોને વેચવામાં આવતી મીઠાઇ નેટ વજન પ્રમાણે આપવાની કાયદા/ નિયમોમાં જોગવાઇ છે. તેમ છતાં મીઠાઇ/ફરસાણના દુકાનદારો બોક્સ સાથે વજન કરીને ગ્રાહકને મીઠાઇ આપે છે. જેનાથી ગ્રાહકને ખરેખર મળવા પાત્ર મીઠાઇના જથ્થા કરતા ઓછો જથ્થો આપતા હોય છે. આમ, ગ્રાહકોને તેઓ દ્વારા ચુકવાયેલા નાણાંના પ્રમાણમાં ઓછો જથ્થો મળે છે. નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાનના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં આ તહેવારો દરમ્યાન સધન ઝુબેશનું આયોજન કરવામા આવેલ હતું. જેમાં ત્રણ હજાર ઉપરનાં એકમોનું નિરક્ષણ કરીને 600 ઉપરાંત મીઠાઇ /ફરસાણ, ડ્રાયફુટ એકમો પર કાર્યવાહી કરી અંદાજે કુલ રૂપિયા આઠ લાખ કરતા વધારે દંડ વસુલ કરેલ છે.

આમ, કાનુની માપવિજ્ઞાન તંત્ર દ્વારા ગ્રાહકોના અધિકારોનું રક્ષણ થાય તે માટે આ દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર રાજ્યમાં ઝુંબેશનું આયોજન કરવામા આવેલ હતું. તેમ છતાં ગ્રાહકોને કોઇ પણ પ્રકારની છેતરપિડી થતી હોય તો tolmap.ahd@gujarat.gov.in મેઇલ કરીને પોતાની રજુઆત કરી શકે છે.

(8:53 pm IST)