ઠાસરા તાલુકાના સૈયાંત ગામે નોકરીએથી પરત ફરી રહેલ આશાસ્પદ યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત
ઠાસરા:તાલુકાનાના સૈયાંત ગામે નોકરીએથી પરત ફરતા આશાસ્પદ યુવકના મોટર સાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઠાસરા તાલુકાના ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં રહેતા સવિતાબેન રામસિંહ ઝાલા પોતે વિધવા છે અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર અનીલસિંહ રોજમદારી પર તેમની સાથે નોકરી કરે છે. સવિતાબેનને બુધવારે પોતાના કામે જવાની રજા હોવાથી તેમનો દિકરો અનીલસિંહ એકલો પોતાનું બાઈક લઈને નોકરીએ ગયો હતો. બપોરે ઘરે આવી જમી પરત ફરીથી નોકરીએ જઈ મોડી સાંજે મોટર સાયકલ નં. જીજે- ૭, બીજી-૮૬૨૪ ચલાવીને નોકરીએથી પરત આવતો હતો. આ દરમ્યાન સૈયાંત ગામની સીમમાંથી પસાર થતા અજાણ્યા વાહને ઉપરોક્ત મોટર સાયકલને ટક્કર મારી હતી અને આ અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું. ટક્કર મારતા મોટર સાયકલ ચાલક અનીલસિંહ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.