ગુજરાત
News of Friday, 26th November 2021

નડિયાદમાં પતંગના કારખાનામાંથી ચોરી કરનાર કારીગરને પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડયો

નડિયાદ:શહેરના સલુણ બજાર ગાજીપુરવાળા વિસ્તારમાં ૫૨ વર્ષીય સફીમીયાં મલેક રહે છે. તેમનું પતંગ બનાવવાનું કારખાનું આ વિસ્તારમાં જ આવેલુ છે. તેઓ ઓર્ડર મુજબ પતંગો બનાવી વેપારીને આપે છે. તેમના આ કારખાનામાં ૫ કારીગરો પતંગ બનાવવાની કામગીરી કરે છે. બુધવારે મધરાતે પતંગો બનાવવાનું કામ પુરું કરી કારખાનું બંધ કરી માલિક ઘરે આવ્યા હતા.

જે બાદ મોડી રાત્રે ૩ વાગ્યાની આસપાસ ઉપરોક્ત કારખાનાના બાજુમાં રહેતા વ્યક્તિને સફીમીયાંના દીકરા પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમે જલ્દીથી પોતાના કારખાને આવો તમારા કારખાનાનું શટર તોડી ચોરી કરતા એક શખ્સને ઝડપ્યો છે. આથી સફીમીયાં અને તેમના દીકરા પોતાના કારખાને આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના કારખાનાનું શટર આશરે દોઢ એક ફૂટ ઊંચુ હતું અને લોક ખોલેલ હાલતમાં હતું. જે બાદ ઝડપાયેલા શખ્સને જોતાં માલિક ખૂદ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ચોર બીજુ કોઈ નહીં પણ તેમના કારખાનાનો કારીગર તરીકે કામ કરતો ઈમરાન અલ્લારખા શાભઈ (રહે. નડિયાદ અબુબકર સોસાયટી) નીકળ્યો હતો. જેથી આ અંગે માલિકે પૂછતાછ કરતા ચોરી કરવા આવેલા કારીગરે જણાવ્યું કે તે અહીંયા પતંગ બનાવવાની કાગળની રીમ ચોરવા આવેલો હોવાનું જણાવ્યું છે. જે પછી સફીમીયાંએ નડિયાદ ટાઉન પોલીસને જાણ કરી આરોપી ઈમરાન શાભરને પોલીસના હવાલે કર્યો છે. અગાઉ પણ ચોરી આચરી હોવાનું કારીગર ઈમરાને કબૂલાત કરતાં માલિક સફીમીયાંએ કારખાનામાં રાખેલ કાચા માલની ગણતરી કરી હતી. જેમાં પતંગો બનાવવા માટે કાગળોની મોંઘીદાટ રીમો કુલ ૧૨૦ કિંમત રૂા. ૧,૦૭ ૮૦૦નો મુદ્દામાલ ગાયબ હોવાની જાણ થઈ હતી. જે સંદર્ભ ઈમરાનને પૂછતાં આ રીમોની ચોરી છેલ્લા ૪ મહિનાથી તે અલગ અલગ સમયે કરતો આવ્યો હોવાનું કબૂલ્યું છે. નવો સ્ટોક આવતાં માલિકને ખબર ન પડે તે રીતે પાછળના સ્ટોકમાંથી રીમો ઉઠાંતરી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે સફીમીયાં મલેકની ફરિયાદના આધારે આરોપી ઈમરાન શાભઈ વિરૂદ્ઘ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે માલિક સફીમીયાંએ જણાવ્યું છે કે આ કારીગર ડુપ્લિકેટ ચાવી વડે કારખાનાના શટરના તાળા તોડી અંદર પ્રવેશી અવારનવાર ચોરી કરી છે. ગત જુલાઈ માસથી આજદિન સુધી અનેકોવાર ચોરી આચરી હોવાનું જણાવ્યું છે. જ્યારે પોલીસે આરોપી ઈમરાન પાસેથી મુદ્દામાલ રીકવર કરવા કામગીરી હાથ ધરી છે.

(6:24 pm IST)