ગુજરાત
News of Friday, 26th November 2021

બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાટણ ફાટક નજીક મગફળીના ટ્રક માંથી બોરીઓ નીચે પડતા ટ્રાફિક જામની સમસ્યા

બનાસકાંઠા:જિલ્લાના ડીસા-પાટણ હાઇવે પર આવેલ ભોપાનગર રેલવે ફાટક પર ટ્રેન- માલગાડી પસાર થવાના સમયે ફાટક વારંવાર બંધ થયા બાદ વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. તાજેતરમા જ ટ્રાફીક હળવો કરવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રેલવે ફાટક પાસે ડીવાઈડર બનાવવામાં આવ્યું છે. જેમાં બંને સાઈડના વાહન ચાલકો એક તરફ ચાલતા વારંવાર સર્જાતા ટ્રાફીકજામથી વાહન ચાલકોને મહદઅંશે છુટકારો મળ્યો હતો.

જોકે પોલીસ પોઇન્ટના અભાવે રેલ્વે ફાટક ખુલતાની સાથે આજેપણ અનેક વાહન ચાલકો રોગ સાઈડમાં ઘુસી જતા અવાર નવાર ટ્રાફીક જામ થવા પામે છે. ત્યારે ગુરુવારે બપોરના સુમારે રેલ્વે ફાટક બંધ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. પણ ફાટક ખુલતાની સાથે એક ઓવરલોડ મગફળી ભરેલ ટ્રક પસાર થતાં ટ્રકમાંથી મગફળીની બોરીઓ બેરીકેટેડના કારણે નીચે પડતાં રોડ પર મગફળીના ઢગલાં ખડકાયા હતા અને ફરી ટ્રાફિક જામ થતા દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે સમયસૂચકતાના પગલે  ટ્રક ચાલક સહિત રાહદારીઓ દ્વારા રોડ પર પડેલ મગફળીની બોરીઓ દુર કરી રોડ ખુલ્લો થતાં માંડ ટ્રાફીક હળવો થયો હતો.

(5:52 pm IST)