ગુજરાત
News of Friday, 26th November 2021

હિંમતનગર તાલુકાના નવી કડોલી ગામે લગ્નમાં ખોરાકી ઝેરની અસરથી 16 લોકોની તબિયત લથડતા લોકોમાં ભય

હિંમતનગર: તાલુકાના નવી કડોલી ગામે બુધવારના રોજ એક લગ્ન સમારંભમાં ગયેલા કેટલાક લોકોએ વાસી ખોરાક આરોગ્યો હોવાથી તેમની તબીયત લથડી હતી. જો કે ગામમાં પીવાનુ પાણી પુરૂ પાડતી પાઈપ લાઈનમાં બે ઠેકાણે લીકેઝ હોવાને કારણે ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળતા ગામમાં ૧૬ વ્યકિતઓ ઝાડા-ઉલ્ટીનો ભોગ બન્યા હતા. જેને પગલે ૅકલ્લા આરોગ્ય વિભાગને તરત જ કડોલી ગામે જઈને સુપર ક્લોરીનેશન તથા સર્વેલન્સની કામગીરી હાથ ધર્યા બાદ ઝાડા-ઉલ્ટીનો ભોગ બનેલા દર્દીઓની તબીયત સુધારા ઉપર હોવાનુ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

હિંમતનગર તાલુકાના નવી કડોલી ગામમાં રહેતા લોકોની પાણીની પાઈપ લાઈન મારફતે પીવાનુ પાણી મળે છે.દરમ્યાન ગામમાં આવેલા એક જાહેર રોડ ઉપર તેમજ પીવાના પાણી માટે બનાવાયેલી સંપ નજીક લીકેઝ હોવાથી તેમાં ગંદુ પાણી ભળી ગયુ હતુ. જે પાણીનો વપરાશ પીવાના પાણી તરીકે કરાયો હતો જેને પગલે કેટલાક લોકોની તબીયત લથડી હોવાનુ સામે આવ્યુ હતુ.

બીજી તરફ બુધવારે ગામમાં યોજાયેલ લગ્ન સમારંભ નિમિત્તે જમણવારમાં હાજરી આપેલ કેટલાક લોકોએ વાસી ખોરાક પણ ખાધો હોવાનુ પણ અનુમાન લગાવાઈ રહ્યુ છે. ત્યાર બાદ બુધવારે રાત્રે ૧૦ પુરૂષ અને ૬ મહિલાઓની તબીયત લથડી હતી. જે અંગેની ૅજિલ્લા આરોગ્ય વિભાગને જાણ થયા બાદ તેમની ટીમો નવી કડોલી ગામે પહોંચી ગઈ હતી અને ગામના વિવિધ વિસ્તારોનુ નિરીક્ષણ કરીને બે સ્થળે જે લીકેઝ હતા. તેનુ સમારકામ તાત્કાલીક કરાવી દેવા અંગે ગ્રામ પંચાયતને તાકીદ કરાઈ હતી. સાથે સાથે એવુ પણ મનાઈ રહ્યુ છે કે કેટલાક લોકોને ગંદુ પાણી પીવાથી ઝાડા-ઉલ્ટી થયા હોવાની આશંકા આરોગ્ય વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી.

(5:50 pm IST)