ગુજરાત
News of Friday, 26th November 2021

કરિયાવરમાં અનોખી ભેટ : સુરતના હિરાણી પરિવારે 3.5 વોટની સોલાર પેનલ આપી દીકરીના જીવનમાં ઉજાસ પાથર્યો:વીજ બિલમાં મળશે રાહત

અમરેલી જિલ્લાના ચારણ સમઢિયાળા ગામના વતની અને સુરત રહેતા તથા મોબાઈલની દુકાન ધરાવતા કનુભાઈ હીરાણીની દીકરી પ્રિયંકાના લગ્ન રાધે ફાર્મ સરોવર ખાતે યોજાયા

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પરિવારોના લગ્ન સહિતના પ્રસંગોમાં સેવા પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કરવાનો પ્રયાસ થાય છે. વૃક્ષારોપણ, પુસ્તક વિતરણ, રક્તદાન શિબિર, તુલસી છોડ વિતરણ જેવી પ્રવૃત્તિ જોવા મળે છે. અમરેલી જિલ્લાના ચારણ સમઢિયાળા ગામના વતની અને સુરત નનસાડ રોડ સ્વપ્ન વિલા રેસિડેન્સીમાં રહેતા તથા મોબાઈલની દુકાન ધરાવતા કનુભાઈ હીરાણીની દીકરી પ્રિયંકાના લગ્ન રાધે ફાર્મ સરોવર ખાતે યોજાયા હતા, જેમાં નવદંપતીને 3.5 કિલો વોટની સોલર પેનલની ભેટ અપાઈ હતી.

કનુભાઈએ જણાવ્યું હતું કે કરિયાવરમાં ઘરવખરીનો સામાન અપાય છે, જોકે તેની કિંમત ઘટતી હોય છે, પરંતુ આ એવી ભેટ છે, જે મારી દીકરીના પરિવારને કાયમ લાઈટ બિલ ભરવામાં રાહત આપશે. ઉપરાંત વાતાવરણ પણ પ્રદૂષણમુક્ત બનશે, જેથી પર્યાવરણ જાગૃતિ અને દીકરીને કાયમી ઉપયોગી થાય એવી વસ્તુઓ અમે ભેટમાં આપી છે. સમાજના અન્ય લોકોમાં પણ આ પ્રકારની જાગૃતિ આવે એ માટે પહેલ કરી છે. આવનારા દિવસોમાં અન્ય પરિવારો પણ પોતાની દીકરીને આવી ભેટ આપતા થઈ જાય તો તેમનો પ્રયાસ સફળ ગણાશે.

(10:53 pm IST)