વડોદરાના હરણી વિસ્તારમાં પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી મહિલાની છેડતી કરનાર નરાધમ રિક્ષાચાલકને પોલીસે ઝડપી પાડયો
વડોદરા : શહેરના સવાદ ક્વાટર્સમાં એક મહિલાના ઘરમાં પાણી પીવાના બહાને ઘૂસી મહિલાનો હાથ પકડી મારામારી કરનાર છેલબટાઉ રિક્ષાચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે હરણી વિસ્તારમાં સવાદ કવાટર્સમાં રહેતો તેમજ રિક્ષા ચલાવતો રવિ નંદલાલ કપુર એક મહિલાના ઘરમાં બપોરે પાણી પીવાના બહાને ગયો હતો. મહિલાએ પાણી આપતા રવિએ મહિલાનો હાથ પકડી છેડછાડ કરવાની શરૃઆત કરી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા નજીકમાંથી એક શખ્સે આવીને રિક્ષાચાલકને રોકવાનો પ્રયત્ન કરતા તેને પણ માર માર્યો હતો.
આ બનાવ અંગે મહિલાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે રવિ કપુરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મહિલા નોકરી પર જાય ત્યારે પણ રવિ તેની પાછળ રિક્ષા લઇ જઇ હોર્ન વગાડી પરેશાન કરતો હતો.