ગુજરાત
News of Thursday, 25th November 2021

અમદાવાદમાં સોશ્‍યલ મીડિયા ઉપર છવાઇ જવા બનાવાતા વીડિયો સામે લાલબત્તીરૂપ કિસ્‍સોઃ ટ્રેનના કોચ ઉપરથી વીડિયો બનાવવા જતા કરંટ લાગતા યુવકને મોત મળ્‍યુ

જોખમી સ્‍ટંટ કે જીવને જોખમમાં મુકીને વીડિયો બનાવતા પહેલા સો વખત વિચાર કરવો જરૂરી

અમદાવાદ: અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વીડિયો બનાવીને કે પછી સેલ્ફી લઈને પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં લોકો દેખાદેખીમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને વીડિયો બનાવતા સહેજ પણ અચકાતા નથી. આવો જ વધુ એક બનાવ અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ટ્રેનના કોચ પરથી વીડિયો બનાવવા જતાં કરન્ટ લગતા નવયુવાનને જીવ ગુમાવવો પડ્યો છે.

રાણીપ વિસ્તારમાં રહેતો પંદર વર્ષીય યુવક ગઇકાલે મોડી સાંજે તેના મિત્ર સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ સામે આવેલ રેલવે ટ્રેક પર વીડિયો બનાવવા માટે ગયો હતો. જો કે વીડિયો બનાવવામાં આ યુવક ભાન ભૂલ્યો હતો. અને ટ્રેનના કોચ પર ચઢી ગયો હતો. જ્યાં પસાર થઈ રહેલ હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહની લાઈનથી કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. જેની જાણ પરિવારજનોને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોત દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો કે, આ પ્રકારનો કોઈ પ્રથમ બનાવ નથી કે સેલ્ફી કે વીડિયો બનાવવા જતાં કોઈનું મોત નીપજ્યું હોય. પરંતુ લોકોએ પણ આ પ્રકારમાં જોખમી સ્ટંટ કે જીવને જોખમમાં મૂકી વીડિયો બનાવવા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ.

(4:09 pm IST)