ગુજરાત
News of Thursday, 25th November 2021

કોર્ટે પતિને રાહત આપી

૧૯ વર્ષના લગ્ન જીવન પછી પરિણીતાએ પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો

તપાસમાં જણાયું કે બળાત્કારનો આરોપ મૂકયો ત્યારે બંને સાથે જ રહેતા હતા

અમદાવાદ, તા.૨૫: લગ્નના ૧૯ વર્ષ પછી એક મહિલાએ પોતાના પતિ પર બળાત્કારનો આરોપ મૂકયો હતો, જેના પર સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો, જયાં કોર્ટે જણાવ્યું કે અહીં બળાત્કારના આરોપ લાગુ ના કરી શકાય, અને આ જ અવલોકન સાથે પતિને મૂકત કરયો છે, જયારે પત્નીની ગવાહી શંકાસ્પદ મનાઈ છે.

લગ્નેત્તર સંબંધોમાં બળાત્કારના પૂરાવા અને કાયદાકીય જોગવાઈના અભાવે કોર્ટે તે વ્યકિતને એ આધાર પર મૂકત કર્યો છે કે તેની પત્ની દ્વારા કોર્ટને નરમાશ રાખવા અંગે અનુરોધ કર્યો હતો. સાથે કોર્ટે એ પણ જણાવ્યું કે આરોપ મુકનારી મહિલા માનસિક રીતે બીમાર છે અને ઘણાં વર્ષોથી તેની દવા ચાલી રહી છે.

કેસની વિગતો પ્રમાણે, સાબરમતીના ૫૧ વર્ષના વ્યકિતને કેટલા સાક્ષી ફરી ગયા અને કોર્ટે પત્ની પર પતિ દ્વારા બળાત્કાર કરાયો હોવાની વાત સ્વીકારી ના હોવાથી પાછલા અઠવાડિયે મુકત કરવામાં આવ્યો હતો. આ દંપતીના વર્ષ ૧૯૯૮થી સાથે રહે છે અને તેમના બે બાળકો પણ છે. મહિલાએ પતિ પર વર્ષ ૨૦૧૭માં બળાત્કારનો આરોપ મૂકયો હતો, કેસ કરવામાં આવ્યો ત્યારે પતિ-પત્ની સાથે જ રહેતા હતા.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ ભાડું આપવા માટે દ્યરે આવ્યો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જયારે પતિએ પોતાના બચાવમાં જણાવ્યું કે, પત્નીએ તેને આકર્ષિત કર્યો હતો અને પોતે સમાગમ માટે બળજબરી નહોતી કરી. પતિ પર આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. સાક્ષીઓની પૂછપરછ અને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે આ કેસ કલમ ૩૭૬ હેઠળ નથી આવતો કારણ કે આરોપી પતિ છે અને બન્ને લગ્ન સંબંધથી જોડાયેલા છે.

મહિલાએ એવો દાવો કર્યો હતો કે આ દ્યટના બની ત્યારે તે પતિથી અલગ રહેતી હતી, કોર્ટે કહ્યું કે આ વૈવાહિક બળાત્કારની પરિભાષામાં અપવાદ ગણાશે. અહીં કલમ ૩૭૬ આધારે પણ તપાસ કરવામાં આવી, જેમાં ૧૫ વર્ષ કરતા નાની ઉંમરની પત્ની પર બળાત્કારના કેસમાં ૨ વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટ નિષ્કર્ષ પર આવી કે અહીં પતિ-પત્ની અલગ નહોતા રહેતા માટે ૩૭૬બી લાગુ નહીં કરી શકાય. આ સાથે કેસ કલમ ૩૭૫ હેઠળ પણ નહોતો આવતો.

આ સિવાય આ કેસમાં પતિને મુકત કરવાની સાથે કોર્ટે પત્નીના કહેવા પર ભરણપોષણ અને દ્યરેલુ હિંસા એકટ પ્રમાણે કેસ પેન્ડિંગ ગણાવ્યો છે. પત્નીએ દાવો કર્યો હતો કે તેના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા તે દાવો શંકાસ્પદ છે. આ સિવાય આઈપીસીની કલમ ૩૭૫ અને ૩૭૬ સહમતિના સંબંધમાં ૭ જોગવાઈ છે. મહિલાનું નિવેદન એ દર્શાવવા માટે પુરતું હતું કે તેણે સહમતી નહોતી આપી, પરંતુ આરોપી પતિ છે અને કાયદાકીય રીતે તેઓ અલગ નહોતા માટે સહમતીની જરુરીરયાત મહત્વહીન બની જાય છે.

(2:51 pm IST)